પાલનપુર શહેરમાં લક્ષ્મીપુરા આરોગ્ય કેન્દ્રથી રામજીનગર, કૈલાસનગર થઈને અમદાવાદ હાઈવેના ગઠામણ પાટિયા સુધીનો મુખ્ય રોડ હાલ બિસ્માર બન્યો છે. પાઈપલાઈન નાખવાની કામગીરી માટે રોડ તોડી દીધા બાદ ફરી રોડની કામગીરી ન કરાતા સ્થાનિક લોકો હાલાકી વેઠવા માટે મજબૂર બન્યા છે. આસપાસ રહેણાંક સોસાયટીઓ માટેનો આ મુખ્ય રોડ હોવાના કારણે સ્થાનિક લોકો મુશ્કેલી વેઠવા માટે મજબૂર બન્યા છે જોકે સ્થાનિકોએ જણાવ્યું કે આ અંગે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ નવીન રોડ બનાવવામાં આવ્યો નથી જેના કારણે ચોમાસામાં પાણી ભરાઈ જતા ચાલવું પણ મુશ્કેલ બને છે. એટલું જ નહીં રોજ આ રસ્તેથી પાંચ સ્કૂલોની 10 બસો પસાર થાય છે. ભૂલકાઓ સવારે આ રસ્તે મુસાફરી કરે છે. તેમજ આજુબાજુની સોસાયટીઓના લોકો પણ વાહનો લઈ આજ રોડનો ઉપયોગ કરે છે. જેથી ઉબડ ખાબડ બનેલા રોડના કારણે હેરાન થઈ રહ્યા છે.
આ રોડ વોર્ડ નંબર 8 અને 9 ને જોડતો રોડ છે જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે પરંતુ સ્થાનિક નગરસેવકો આ બાબતે કોઈ જ ધ્યાન ન આપતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.જોકે હાલમાં માથે ચોમાસું છે ત્યારે ચોમાસુ શરૂ થાય એ પહેલાં રોડનું કામ ન થાય તો પરિસ્થિતિ વરસાદમાં વધુ ખરાબ બનશે અને રહેવાસીઓને બહાર નીકળવું મુશ્કેલ બનશે. બીજી તરફ જે ભૂગર્ભ લાઈન નાખવામાં આવી છે તેને હાઈવે તરફ હાઈવે ઓથોરિટી હજુ સુધી જોડાણ કરવામાં ન આવતા પાણી રોડ ઉપર જ ભરાઈ રહેવાની પરિસ્થિતિ ઊભી થતી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે ત્યારે આ સમસ્યાનુ નિરાકરણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.