ગામે ગામ તળાવ ઉંડા અને કુવા રિચાર્જ કરવાની કામગીરી કરાશે
જિલ્લામા બનાસ ડેરીના સહયોગથી જળ સંચયના કામો કરાઇ રહ્યા છે; બનાસકાંઠા જિલ્લાના સિંચાઇ તેમજ પીવાના પાણીની સમસ્યાને નિવારવા બનાસ ડેરીના સહયોગથી જળ સંચયના કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડગામ તાલુકામાં પાણીની અગવડતા દૂર કરવા નિવૃત કર્મચારીઓ અને શિક્ષકોએ જળ સંચયનું કામ ઉપાડી લીધું છે. અને ગામે ગામ તળાવ ઉંડા કરવા તેમજ કૂવા રિચાર્જ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
વડગામ તાલુકાના એદરાણા ગામે જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બનાસ ડેરીના માધ્યમથી જળ સંચય અભિયાનમાં નિવૃત્ત કર્મચારી અને શિક્ષકો પણ જોડાયા છે. સરકારમાં સેવા આપી ચૂકેલા કર્મચારીઓ અને શિક્ષકો વડગામ તાલુકાના ગામે ગામ જઈને ખેડૂતોને મળી ગામના તળાવ ઊંડા કરવા વરસાદી પાણીથી જુના કુવા રિચાર્જ કરવા અને વધુને વધુ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરે જેનાથી પાણીના તળ ઊંચા આવે તેવા પ્રયત્ન કરવામાં આવે છે.જળ સંચય અભિયાનમાં હાલ શિક્ષકો પોતાના વેકેશનનો સદઉપયોગ કરી રહ્યા છે. જોકે વડગામ તાલુકામાં હાલ સિંચાઇના પાણીના પ્રાણ પ્રશ્નને જળ સંચય અભિયાન થકી નિરાકરણ લાવવા નિવૃત્ત કર્મચારી અને શિક્ષકો કટિબદ્ધ બન્યા છે.તેથી આગામી સમયમાં તેમની મહેનત ઊગી નીકળે તેવી શકયતા છે.