મહેસાણાના રાધનપુર રોડ પર પ્રતિ વર્ષ ચોમાસાની ઋતુમાં હાલત કફોડી બની જતી હોય છે. આમ તો મહેસાણા શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે પરંતુ શહેરના રાધનપુર રોડ વિસ્તારમાં વિકાસની વચ્ચે પણ કઈક કેટલાય અવિકસિત વિસ્તારો આવેલા છે કે જ્યાં મસ મોટી સુવિધાઓ યુક્ત સોસાયટીઓ તેમજ ફ્લેટો આવેલા છે જ્યાં ભૌતિક સુખ સંપદાઓ યુક્ત હોવા છતાં આ વિસ્તારના રાહીશોને લાખો અને કરોડો રૂપિયાના બંગલામાં રહેવા છતાં પણ ગંદકી અને દુર્ગંધ સહન કરવા મજબૂર બનવું પડ્યું છે.
મહેસાણા શહેરના જાગૃત વ્યક્તિ અને સમાજ સેવી આસ્થાબેન દવેએ હવે સમગ્ર વિસ્તાર માટે ગટર લાઈનની યોજનાનું અમલીકરણ થાય તેનું બીડું ઝડપ્યું છે. અનેકવાર સ્થાનિક લોકોએ લેખિત અને મૌખિક રજુઆતો કરી છે પરંતુ વીસ હજારથી પણ વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં ગટર લાઈનનો પ્રશ્ન જસનો ટસ જ છે જ્યાં વરસાદી પાણીના નિકાલ માટે અંડર ગ્રાઉન્ડ ગટરની કોઈ જ વ્યવસ્થા આજ દિન સુધી કરવામાં આવેલ નથી. રાધનપુર રોડનો વિસ્તાર આમ તો અત્યાર સુધીમાં પાંચોટ ગ્રામ પંચાયતમાં આવતો હતો જ્યાં પ્રતિ વર્ષ ઘર દીઠ આશરે પાંચસો રૂપિયા જેટલા વાર્ષિક વેરાની આવક થતી હતી જે અંદાજે એક કરોડ પાંચ લાખ જેટલી આવક વેરા માંથી પાંચોટ ગ્રામ પંચાયતની થતી હતી તેમ છતાં પણ આટલો વેરો જે વિસ્તાર માંથી આવે છે તેજ વિસ્તારના રહીશો વેરો ભરવા છતાં પણ ગટર લાઈનથી વંચિત રહ્યા છે.
વરસાદી પાણીના નિકાલ, ખુલ્લામાં ગંદા પાણીનો ભરાવો તેમજ તેની દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ગયેલા કાશી વિશ્વનાથ મંદિર નજીકની સોસાયટીઓ તેમજ ફ્લેટોના રહીશો માટે મહેસાણા શહેરના જાગૃત નાગરિક અમે પ્રસિદ્ધ સમાજ સેવી આસ્થા દવેએ અંતે મહાનગરપાલિકા બન્યા બાદ સમગ્ર વિસ્તારના રહીશો વતી કોર્પોરેશનમાં સમાવિષ્ટ આ વિસ્તારને ગટર લાઈનથી જોડવા તેમજ ભૂગર્ભ ગટર લાઇનનો પૂરતો લાભ આપી વિસ્તારના રહીશોને ગંદકી, ખુલ્લામાં ગંદા પાણી અને ના સહી શકાય તેવી ભયંકર દુર્ગંધથી કાયમી ધોરણે છુટકારો આપાવવા માટે લેખિત આવેદન આપી યોગ્ય ન્યાય માટે માંગ કરી છે.