ખાસમ ખાસ…ડૉ.ભાવેશ પંડ્યા, ગમતી નિશાળ,પાલનપુર
માટી તો દેશની ને હુંય છું દીકરો દેશનો,
શોધ થકી આજે એ બન્યો હું હીરો ભારત માતનો
ગુજરાતનો જીલ્લો મોરબી. જિલ્લા મથકની બાજુમાં નીચી માંડલ ગામની અંદર ગરીબ પરિવારમાં એમનો જન્મ. જ્ઞાતિએ કુંભાર એટલે માટીના ઘડા બનાવીને તેમના પિતાશ્રી ઘરનું ગુજરાન ચલાવતા.ઘરની આર્થિક સ્થિતિ નબળી એટલે આ વ્યક્તિ પોતાના પિતાને પણ નાનપણથી કામમાં મદદ કરતા.આ પરિસ્થિતિ વચ્ચે તેઓ માત્ર દસ ધોરણ સુધીનો અભ્યાસ કરી શકયા. દસમા ધોરણમાં તેઓ નાપાસ થયા.પોતે મજૂરી કામ કરતા અને તેમને મહિને માત્ર ત્રણસો રૂપિયા મળતા. તેઓએ નિશ્ચય કર્યો કે,”મારે માટી કામ કરીને દુનિયાને કંઈક અલગ કરી બતાવવું છે.”તેઓએ નોકરી છોડી. મિત્રો અને શાહુકાર પાસેથી ત્રીસ હજાર રૂપિયા વ્યાજે લઇ માટીકામના ક્ષેત્રમાં સંશોધન કરવાનું શરુ કર્યું. અથાક મહેનત અને અડગ મનોબળ ધરાવતા આ વ્યક્તિએ તાવડી બનાવવાનું મશીન બનાવ્યું. આ તાવડી બની રહીં ત્યાં વર્ષ: 2001 માં ભૂકંપ આવ્યો. બધા કુંભારોના માટલાઓ અને અન્ય સામગ્રીઓ તૂટી ગઈ અને ભારે નુકસાન થયું.આ સમયમાં આ વ્યક્તિએ એક ન્યૂઝ પેપરમાં તૂટેલા માટલાનો ફોટો જોયો અને નીચે લખેલું હતું,”ગરીબો ના ફ્રીઝ નો ભુક્કો”. બસ આ વાક્યએ તેમના મનમાં નવા સંશોધનનું વિચારબીજ રોપી દીધું. સતત પાંચ વર્ષની મહેનતના અંતે તેમણે માટીનું ફ્રીઝ બનાવી નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો. આ વ્યક્તિ એટલે વિશ્વવિખ્યાત મિટ્ટીકુલ ફ્રીઝ ના ઇનોવેટર અને મિટ્ટીકુલ કંપનીના સ્થાપક એવા માટીથી મોટા બનેલા વ્યક્તિ મનસુખભાઇ પ્રજાપતિ.
મનસુખભાઇ પ્રજાપતિ એક સમયે ચા ની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા.તેઓએ નળિયાની ફેક્ટરીમાં ત્રણસો રૂપિયાના માસિક પગારે પાંચ વર્ષ સુધી નોકરી પણ કરી.તેમના મનમાં કંઈક નવું કરવાની ઝંખનાએ તે નોકરી છોડી દીધી. તેઓએ ઉછીના અને વ્યાજે રૂપિયા લઈ માટીકામના સંશોધન કરવાનું શરુ કર્યું. ખાસ અભ્યાસ કે કોઈ ટેકનીકલ નોલેજ તેમની પાસે ન હતું.પણ મનમાં નવું કરવાનો અડગ વિશ્વાસ હતો.તેમણે તેમની સૂઝ-બુઝ થી માટીની તાવડીના મશીન બનાવવાની શરૂઆત કરી.અંદાજે દોઢ લાખ તાવડી મશીન બનાવતાં ભાંગી ગઈ. તેમના પરિશ્રમના અંતે તેમને અસફળતા જ મળતી પરંતુ મનમાં આશા અમર હતી માટે તેઓ આ કામ કરવામાં અનેક અસફળતાઓ મળ્યા બાદ પણ સફળ થયા.અને અંતે તેઓએ તાવડી બનાવવાનું મશીન બનાવ્યું.જે સમયે કુંભારનો આખો પરિવાર મળીને સો તાવડી પણન બનાવી શકે એવા સમયે મશીન સમગ્ર કુંભાર સમાજ માટે આશીર્વાદરૂપ બન્યું. તેઓએ આવા બસો મશીનો બનાવી પોતાની જ્ઞાતિના લોકોને રોજગારી મળી રહે તે માટે મદદ પણ કરી. હાલમાં તાવડી બનાવવાના 1000 થી પણ વધારે મશીનો કાર્યરત છે.
આ વાત થઈ તાવ મશીન માટેની.પરંતુ એમની ઓળખ બની માટીના ફ્રીઝ વડે.
દૈનિક પત્રમાં છપાયેલ “ગરીબોના ફ્રીઝ નો ભુક્કો” વિધાનએ મનસુખભાઈને માટીના ફ્રીઝ બનાવવાની પ્રેરણા આપી. તેઓએ 2001 માં માટીના ફ્રીઝ બનાવવા માટે સંશોધન કાર્ય શરુ કર્યું.આ સંશોધન માટે તેમને અને તેમના પરિવારને ઘણી આર્થિક કટોકટી નો સામનો કરવો પડયો.મનસુખભાઇ પર લગભગ વીસ લાખનું દેવું થયું.પરિણામે તેમને તેમનું મકાન પણ વેચવું પડ્યું હતું.વીજળી વગર ચાલતા ફ્રીઝ બનાવવાના અશક્ય લાગતા કામને મનસુખભાઇની સંકલ્પશક્તિ એ સાર્થક કરી બતાવ્યું.અને બન્યું વિશ્વ વિખ્યાત ઇનોવેશન “ઇકો ફ્રેન્ડલી મિટ્ટીકુલ ફ્રીઝ”
મિટ્ટીકુલ ફ્રિઝ એ વીજળી વગર ચાલતું વિશિષ્ટ ફ્રીઝ છે.જેમાં પાંચ સાત દિવસ સુધી શાકભાજી કે ફ્રૂટ બગાડતા નથી.આ ફ્રિઝ માં કોઈ જાતના રાસાયણિક પદાર્થનો ઉપયોગ ન થતો હોવાથી ફ્રૂટ કે શાકભાજી ના મૂળતત્વો તેમજ નેચરલ ટેસ્ટ જળવાઈ રહે છે. ખુબ નજીવી કિંમતમાં મળતું આ ફ્રિઝ ગરીબો માટે આશીર્વાદરૂપ બન્યું છે.ભારત ઉપરાંત દુબઇ,અમેરિકા,વિયેતનામ,જાપાન જેવા દેશોમાં પણ આ મિટ્ટીકુલ ફ્રિઝ ની ભારે માંગ છે.પેરિસના લોકો વાઈન રાખવા માટે પણ આ ફ્રિઝ નો ઉપયોગ કરે છે.આ ઉપરાંત ડાયાબિટીઝ ના ઈન્જેકશન,ચોકલૅટ વગેરે જેવી ચીજવસ્તુઓ રાખવામાં પણ આ ફ્રિઝ નો ઉપયોગ થાય છે.
પર્યાવરણ બચાવો, સ્વાસ્થ્ય બચાવોના ઉદેશથી મનસુખભાઇ માટીના નવા નવા ઇનોવેશન કરતા રહે છે.એલ્યૂમિનિયમ અને સ્ટીલ ના કૂકરમાં ખાદ્યપદાર્થોના મૂળતત્વોનો નાશ થતો હોવાથી મનસુખભાઇ એ મિટ્ટીકુલ પ્રેશર કુકર બનાવ્યું. આ ફ્રીઝમાં મૂળતત્વો જળવાઈ રહે અને નેચરલ સ્વાદ મળી રહે છે. મિટ્ટીકુલ કુકરની અંદર પોષક તત્વો ચોવીસ કલાક સુધી જળવાઈ રહે છે.મિટ્ટીકુલ કુકર ખુબ ઓછી કિંમતે મળતું હોવાથી ગરીબોને મદદરૂપ થાય છે.
મનસુખભાઇની અહીં કેટલીક વિગતો શોધ પુસ્તકમાં જય કથરોટિયા દ્વારા લખાયેલ પુસ્તકમાંથી લેવામાં આવી છે. આ સર્જક અંગે અગાઉ અહીં વિસ્તારથી લેખ કરેલ છે. મનસુખભાઈ માટેના માટીના ઇનોવેશનની શોધયાત્રા આજે પણ અવિરત શરૂ છે. મનસુખભાઇએ ચમચીથી ફ્રીઝ સુધીની તમામ સો કરતાં પણ વધારે પ્રોડક્ટ બનાવે છે. જેમ કે ફ્રિઝ,કુકર ઉપરાંત નોનસ્ટિક તવી,ડિનર સેટ જેવી અનેક ઇનોવેટીવ પ્રોડક્ટ પોતાની આગવી સૂઝ-બુઝ થી બનાવી છે.આ ઉપરાંત તેમણે મિટ્ટીકુલ વોટર ફિલ્ટર નું અદભુત ઇનોવેશન પણ કરેલું છે.દસમું ધોરણ પણ નાપાસ થયેલ મનસુખભાઇએ બેક્ટરિયા પર રિસર્ચ કર્યું અને શોધી કાઢયું કે, ” એક માઇક્રોનથી નાના બેક્ટરિયા પાચનક્રિયા માટે મદદ કરે છે. “મનસુખભાઇએ 0.9 માઇક્રોનનું વોટર ફિલ્ટર એકદમ ઓછી કિમંત માં બનાવ્યું છે.જે લોકો માટે વરદાનરૂપ બન્યું છે.
મનસુખભાઇને તેમના અદભુત કામ બાદલ ભારતરત્ન એ.પી.જે. અબ્દુલ કલામ,પ્રતિભાદેવી પાટીલ,અને પ્રણવ મુખર્જી ને હાથે ત્રણ ત્રણ વખત રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત થયા છે. સ્વ.કલામ સાહેબે તેમને ગ્રામીણ ભારતના સાચા વિજ્ઞાનીક તરીકે નું બિરુદ આપ્યું છે. આ ઉપરાંત તેમને પ્રોફેસર,ઇનોવેટર જેવી પદવી પણ મળેલ છે.વિશ્વવિખ્યાત કેમ્બ્રીજ યુનિવર્સિટી અને હાવર્ડ યુનિવર્સિટી એ તેમના પર કેશસ્ટડી લખી છે.અને વિદ્યાર્થીઓ ને ભણાવવામાં આવે છે.CBSE બોર્ડના Entrepreneurship નો પહેલો પાઠ મનસુખભાઇ નો ભણાવવામાં આવે છે.પેરિસ ખાતે સમેંગો સંસ્થા દ્વારા વિશ્વના 11 ઇનોવેટરને એવોર્ડ મળ્યો જેમાં ભારતનું પ્રતિનિધિત્વ એકમાત્ર મનસુખભાઇ એ કર્યું હતું. આજે 50 થી વધારે એવોર્ડ અને 45 થી વધારે સન્માનપત્ર પ્રાપ્ત કરેલ છે. વિશ્વપ્રસિધ્ધ Forbs મેગઝીન એ “Most Powerful Ruler Entrepreneur ” નું ટાઇટલ મનસુખભાઇ ને આપ્યું હતું.
મનસુખભાઇ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે પોતાના સમાજના લોકો માટીકામ સાથે જોડાઈને પગભર બની શકે માટે લોકોને ટ્રેનિંગ પણ આપે છે.એક સમય હતો જયારે તેમના પિતાશ્રીએ તેમને માટીકામ કરવાની ના પાડી હતી.અને આજનો સમય એવો આવ્યો કે,મનસુખભાઇ ના બંને પુત્રો એન્જનિયર થયા પછી પોતના પિતાના કામને Mitticool .Com ના ઇ-કોમર્સ પ્લેટફોર્મથી વિશ્વવિખ્યાત કરી રહ્યા છે. મિટ્ટીકુલ કંપનીના માધ્યમથી 50 થી વધારે Non – Educated મહિલાઓ આજે પગભર બની ગઈ છે.
નીચી માંડલ ગામની ઉંચી વ્યક્તિ એટલે મનસુખભાઇ. દસમું નાપાસ પણ મિટ્ટીકુલથી વિશેષ વ્યક્તિ એટલે મનસુખભાઇ. જે ખુબ ઓછું ભણેલા છે,પણ જેમનો પાઠ આજે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એવા વ્યક્તિ એટલે મનસુખભાઇ માટીથી મોટા બનેલા માણસ એટલે મનસુખભાઇને ફ્રીઝ જેટલી ઠંડકથી કામ કરી સફળતા મેળવવા બદલ અભિનંદન.