તિબેટમાં મંગળવારના વિનાશકારી ભૂકંપ બાદ બચાવકર્મીઓ કડકડતી ઠંડી વચ્ચે કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધી રહ્યા છે. દરમિયાન, બુધવારે પડોશી કિંઘાઈ પ્રાંતના અન્ય કાઉન્ટીમાં 5.5 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારના ભૂકંપમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઉત્તર-પશ્ચિમ ચીનના કિંઘાઈ પ્રાંતમાં ગોલોગ તિબેટીયન ઓટોનોમસ પ્રીફેક્ચરની મડોઈ કાઉન્ટીમાં બપોરે 3:44 વાગ્યે (બેઈજિંગ સમય) ભૂકંપ આવ્યો હતો. ઉત્તર-પૂર્વ નેપાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 14 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ વિસ્તાર વિશાળ તિબેટીયન પ્લેટુનો ભાગ છે જેની સરેરાશ ઊંચાઈ 13 હજારથી 15 હજાર ફૂટ છે.
ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના શિગાત્સેના ડિંગરી કાઉન્ટીમાં મંગળવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 126 લોકો માર્યા ગયા અને 188 ઘાયલ થયા. ચીનમાં મંગળવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બુધવાર સુધીમાં, ભારત-તિબેટ-નેપાળ સરહદની નજીક સ્થિત શહેર શિગાત્સેના ડિંગરી કાઉન્ટીમાં 646 ભૂકંપ અનુભવાયા હતા. પ્રાદેશિક કટોકટી વ્યવસ્થાપન વિભાગના વડા હોંગ લીએ સત્તાવાર મીડિયાને જણાવ્યું હતું કે સૌથી મજબૂત આંચકો 4.4 તીવ્રતાનો હતો અને તે કેન્દ્રથી લગભગ 18 કિમી દૂર હતો.