કોટ અંદરના વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં ન આવતા ભૂંડોનો ઉપદ્રવ વધ્યો; પાલનપુર શહેરના પૂર્વ વિસ્તારમાં પારાવાર ગંદકીને લઇ રખડતા ભૂંડનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેમાં તાજેતરમાં ભૂંડે એક મૂકબધિર બાળક પર હુમલો કરી મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. જેને લઈ શહેરમાં ભૂંડની સમસ્યાનો ઉકેલ લાવવા પાલિકા પ્રમુખ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
પાલનપુરમા રખડતા પશુઓની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા જવાબદાર તંત્ર ઉણું ઉતર્યું છે .જે વચ્ચે શહેરમાં વધુ એક ભૂંડોની સમસ્યા સર્જાવા લાગી છે. શેરી મહોલ્લામાં ફરતા ભૂંડ હવે હિંસક બનીને લોકો પર હુમલાઓ કરતા થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેમાં તાજેતરમાં હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ઘર આગળ રમી રહેલા એક મૂકબધિર બાળક પર ભુંડે હુમલો કરી મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતાં આ બાળકને પ્લાસ્ટિક સર્જરી કરવાની ફરજ પડી હતી. જેને લઇ શહેરમાં ભુંડની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખની સાથે જિલ્લા કલેકટર અને વન વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે.જેમાં કોટ અંદરના વિસ્તારમાં પાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં ન આવતા ગંદકીને લઇ ભૂંડોનો ઉપદ્રવ વધી રહ્યો હોવાના આક્ષેપ કરાયા હતા.