સોસાયટીના રહીશોએ પાલિકામાં આવી રજૂઆત કરી; ડીસાની શ્રીનાથ સોસાયટી, સોમનાથ ટાઉનશીપની બાજુના રહીશો દ્વારા સોસાયટીના રોડ પરના મકાનો દ્વારા થયેલા દબાણ દૂર કરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ સાથે નગરપાલિકામાં દોડી આવી દબાણ દૂર કરવાની રજૂઆત કરી ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી પણ કરી છે.
આ અંગે શ્રીનાથ સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, રસ્તામાં દબાણ હોવાથી અવરજવરમાં તકલીફ પડે છે અને માથાભારે ઇસમો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાથી તેઓને કહેવા જતા ઝઘડા કરી અને ધમકીઓ આપે છે. અગાઉ ઘણી અરજીઓ કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દબાણ કરનારા ભાજપના કાર્યકરો હોવાથી પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવતું નથી તેવો રહીશોએ આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત રહીશોએ જણાવ્યું હતું કે, દબાણ દૂર કરવાની અરજી કરીએ તો પણ અરજી કરવા બદલ કામ નહીં કરવાની ધમકી આપે છે. કોમન પ્લોટમાં પણ દબાણ કરવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. નગરપાલિકા દ્વારા રોડ પર લાઈટ, પાણી અને ગટરની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં, દબાણના કારણે નવા બોરનું કામ પણ અટકી ગયું છે. દબાણ દૂર કરવા કહેવા જતાં ધમકીઓ મળે છે.
સોસાયટીના મુખ્ય રસ્તા પર ગેટ લગાવીને તાળું મારી દેવામાં આવ્યું હોવાથી રહીશો અને સર્વોદય સ્કૂલના બાળકોને ફરજિયાત જાહેર માર્ગ પરથી અવરજવર કરવી પડે છે, જેના કારણે અકસ્માતનો ભય રહે છે અને બાળકોનું જીવન જોખમમાં મુકાયું છે. આ બાબતે ચીફ ઓફિસરને જાણ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. રહીશોએ તાત્કાલિક અસરથી દબાણ દૂર કરવા અને રસ્તો બનાવવા વિનંતી કરી છે, જેથી સોસાયટીના રહીશો અને બાળકો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે. આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે રહીશોને આ બાબતે તપાસ કરી દબાણ દૂર કરાવવાની ખાતરી આપી હતી.