દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી કાર્યાલયે બેઠકની તસવીરો જાહેર કરી છે. રામલીલા મેદાનમાં એક ભવ્ય સમારોહમાં છ મંત્રીઓ સાથે પહેલી વાર ધારાસભ્ય બનેલા ગુપ્તાએ શપથ લીધા. રાષ્ટ્રીય રાજધાનીમાં 27 વર્ષ પછી ભાજપ સત્તામાં આવ્યું છે. આ મુલાકાત બાદ સીએમ રેખા ગુપ્તાએ પીએમ નરેન્દ્ર મોદી સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રેખા ગુપ્તાએ લખ્યું, “આજે મેં પીએમ નરેન્દ્ર મોદી સાથે પીએમ નિવાસસ્થાને સૌજન્ય મુલાકાત કરી. તમારા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ, ભાજપની ડબલ એન્જિન સરકાર જન કલ્યાણ અને સુશાસનના માર્ગ પર ચાલીને દિલ્હીવાસીઓના સપનાને વિકસિત દિલ્હીમાં પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતાની સાથે જ તમામ વિભાગોમાં પરિવર્તન શરૂ થઈ ગયું છે. રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી બન્યાના એક દિવસ પછી જ તમામ મંત્રાલયોના કામચલાઉ કર્મચારીઓને બરતરફ કરી દીધા છે. હવે આ વિભાગોમાં નવા લોકોની ભરતી કરવામાં આવશે. બધા મંત્રાલયોમાં, આવી નિમણૂકો કામચલાઉ ધોરણે કરવામાં આવે છે અને મંત્રીના કાર્યકાળના અંત સાથે, તેમના સહાયક સ્ટાફનો કાર્યકાળ પણ સમાપ્ત થાય છે. આ સાથે, સરકારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના મૂળ વિભાગોમાં પાછા ફરવાનો નિર્દેશ આપ્યો છે. પાછલી સરકારે વિવિધ વિભાગોમાં ઘણા કર્મચારીઓ અને અધિકારીઓની નિમણૂક કરી હતી.