ઊંટ વૈદુ રોકવા સહિત ઉપચાર પદ્ધતિઓના નિયમન માટે આરોગ્ય વિભાગનું અભિયાન
ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ અંતર્ગત આરોગ્ય સેવા આપતી સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત
રાજ્યની તમામ હોસ્પિટલ સહિતની આરોગ્ય સેવાઓ આપતી સંસ્થાઓ અને ડાયગ્નોસ્ટિક લેબ માટે ધ ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ- 2024 અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.જેના ભાગરૂપે જ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સધન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.આગામી 12મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલ્સએ આ અધિનિયિમ હેઠળ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે.
ત્યારે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં એટલે કે 13 ફેબ્રુઆરી 2025 ની સ્થિતિએ 700 આરોગ્ય સંસ્થાઓની કાયમી અથવા કામચલાઉ ઓનલાઈન નોંધણી થઈ છે.જેમાં સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓનો સમાવેશ થાય છે. જેમાં 416 પ્રાઇવેટ હોસ્પિટલ, 24 આયુર્વેદિક હોસ્પિટલ, 90 હોમિયોપેથીક હોસ્પિટલ અને અન્ય મળી 529 ઉપરાંત સંસ્થાઓને પ્રોવિઝનલ સર્ટીફિકેટ આપવામાં આવ્યાં છે.જેમાં 170 તૃટીઓ આવી છે.જેના નિવારણ સાથે અન્ય રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલ કાર્યરત છે.
આ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્ર્સ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ક્લિનિક સંસ્થાઓના તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે.એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી અને યુનાની જેવી સેવાઓ આપતી તબીબી સંસ્થાઓએ પણ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ એક્ટ હેઠળ ક્લિનિક/કન્સલ્ટિંગ રૂમ/પોલીક્લિનિક/હોસ્પિટલ/ સ્ટેન્ડએલોન લેબ અને અન્ય ડાયગ્નોસ્ટિક યુનિટને પણ નિયત ફી ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે.તેમ ડીસા જનરલ હોસ્પિટલના સૂત્રોએ જણાવી જિલ્લાની વધુને વધુ સંસ્થાઓ ઝડપથી રજિસ્ટ્રેશન કરાવે એ માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સહિતના સંગઠનોને જાણ કરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.
રજિસ્ટ્રેશન નહીં કરાવનારને દંડ થશે; તમામ કેટેગરીની આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપતી સંસ્થાઓએ કામચલાઉ – કાયમી ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જરૂરી પ્રમાણપત્રો લેવા ફરજીયાત છે. પ્રમાણપત્ર વિના કાર્યરત આમાંથી કોઇપણ આરોગ્ય સંસ્થાઓ માટે 10 હજારથી 5 લાખ સુધીના દંડની જોગવાઇ પણ એક્ટ હેઠળ કરવામાં આવી છે.
આ એક્ટ હેઠળ ક્યાં પ્રકારની સંસ્થાઓનો સમાવેશ? આ એક્ટ હેઠળ કોઈ માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિ દ્વારા માંદગી, ઈજા, શારીરિક ખોડ અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડતા હોય તેવા હોસ્પિટલ, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનિટોરિયમનો સમાવેશ થાય છે.તદ્ ઉપરાંત રોગોના નિદાન અથવા તેની સારવાર માટે લેબોરેટરી અથવા અન્ય તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજિકલ, બેક્ટેરિયોલોજી, જેનેટિક, રેડિયોલોજિકલ, રાસાયણિક, જૈવિક તપાસ અથવા અન્ય રોગનિદાન સેવાઓ આપવામાં આવતી હોય અને જે સરકાર અથવા સરકારના વિભાગ, જાહેર અથવા ખાનગી ટ્રસ્ટ, કેન્દ્રીય, પ્રાંતીય (પ્રોવિન્શિયલ) અથવા રાજ્ય અધિનિયમ હેઠળ રજિસ્ટર થયેલું, સરકારની માલિકીનું હોય અથવા ન હોય તેવું (મંડળી સહિતનું) કોર્પોરેશન , સ્થાનિક સત્તામંડળ અને કોઈ ડોક્ટરની માલિકીની અથવા તેના દ્વારા નિયંત્રિત અથવા સંચાલિત ચિકિત્સા સંસ્થાઓ હોય તેને આ એક્ટની જોગવાઇ લાગુ પડે છે.