રાણપુર બાદ મહાદેવિયામાંથી પણ રેત ખનન ચોરી ઝડપાઇ
ખાણ- ખનીજ વિભાગે એક હીટાચી મશીન સહિત સાત ડમ્પર ઝડપ્યા; બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના પટમાં બેફામ રેત તસ્કરી વચ્ચે મહાદેવિયા પાસે બનાસ નદીમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે ખાણ અને ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી એક હિટાચી મશીન સહીત સાત ડમ્પર ઝડપી પાડ્યા છે. જોકે પાંચ દિવસ અગાઉ રાણપુરમાંથી પણ ખનીજ ચોરી ઝડપાઇ હતી.
ડીસાના મહાદેવિયા પાસે બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાની બાતમીના આધારે ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહ સારસ્વાની સૂચનાથી ભુસ્તર વિભાગના સ્ટાફ દ્વારા ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 7 ડમ્પરો અને એક હીટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા.ઝડપાયેલા તમામ 7 ડમ્પરને વધુ કાર્યવાહી માટે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યા છે.જયારે મશીનને સીઝ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા ભુસ્તર વિભાગે આશરે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે.
ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહ સારસ્વાની સૂચનાથી ખાનગી રાહે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ રોકવા માટે વિભાગની પ્રતિબદ્ધતા દર્શાવે છે.જોકે પાંચ દિવસ અગાઉ રાણપુરમાંથી પણ ખનીજ ચોરી ઝડપાઇ હતી. જેમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.