દીપડા સામે બાથ ભીડતી અશ્વિની બંડુ ઉધડે
ઉનાળાનું વેકેશન હોવાથી અશ્વિની તેની નાની બહેનની સાથે મામાને ગામ મેહંદુરી આવી હતી. બંને બહેનો આંગણામાં રમતી હતી. મામા-મામી ખેતરે ગયાં હતાં. નાની બહેને અશ્વિનીને કહ્યું.
‘દીદી મને ભૂખ લાગી છે. મામી ક્યારે આવશે ?’
‘બસ હમણાં ખેતરેથી આવતાં જ હશે.’
‘ના દીદી પણ ત્યાં સુધી મારે કંઈક ખાવું છે. ’
અશ્વિની આજુબાજુ જાેવા લાગી. ઘર બંધ હતું તેથી ઉપર સાંકળ લગાવેલી હતી. અશ્વિનીએ ઊંચા થઈ તે ખોલવાની કોશિશ કરી પણ સાંકળ સુધી પહોંચાતું ન હતું. કોઈ વસ્તુ મૂકીને તેના પર ચડી શકાય તો બારણું ખૂલે તેમ હતું. અશ્વિનીએ આજુબાજુ નજર દોડાવી પણ એવી કોઈ ચીજ દેખાઈ નહીં! ત્યાં નાની બહેન ભેંકડો તાણી રડવા લાગી.
‘સારું..સારું..તું રડ નહીં ચાલ આપણે અહીંથી થોડે દૂર મામાની વાડી છે ત્યાં કેરીઓ ખાવા જઈએ.’
આ સાંભળી નાની બહેન રડતી છાની રહી ગઈ. બંને બહેનો ગામમાંથી ચાલતી ચાલતી વાડી તરફ જવા લાગી. વાડી નજીક જ હતી.
વાડીમાં આંબા અને ચીકુના ઘણાં ઝાડ હતાં. બંને બહેનો વાડી પાસે આવી. વાડીની ઝાંપલી ખોલી વાડીમાં પેઠી. વાડીમાં અત્યારે કોઈ હતું નહીં.
અંદર જઈને જાેયું તો આંબાઓ ઉપર મોટી મોટી રત્નાગીરી કેરીઓ લટકતી હતી. જૂન મહિનો ચાલતો હોવાથી કેરીઓ પાકી ગઈ હતી.મામાને ખેતરના બીજાં કામોમાંથી ફુરસત ન મળવાને કારણે કેરીઓ કદાચ ઉતારી નહીં હોય અથવા કેરીઓ ઉતારવાનું કામ ચાલુ હશે. અશ્વિની અને તેની નાની બહેન આંબાવાડિયામાં ફરવા લાગ્યાં. આંબા ઉપર કેરીઓની લટકતી લૂમો જાેઈને અશ્વિનીના મોંમા પાણી આવતું હતું. પણ બધી કેરીઓ ખૂબ ઊંચે લટકતી હતી. આંબા ઉપર ચડ્યા વિના કેરીઓ ઊતરી શકે તેમ ન હતી.
‘દીદી..જલદી કરને મને ભૂખ લાગી છે. તેની નાની બહેને કહ્યું.
અશ્વિની આંબા ઉપર ચડી ગઈ અને કેરીઓ તોડી તોડી નીચે ફેંકવા લાગી. તેની નાની બહેન ફ્રોકના ખોળામાં કેરીઓ ભેગી કરતી હતી. કેરીઓ તોડવામાં અને ખાવામાં કેટલો સમય વીતી ગયો તેનું બંને બહેનોએ ભાન રહ્યું નહીં. પણ સહેજ અંધારા જેવું લાગતાં નાની બહેને કહ્યું, ‘દીદી..હવે રહેવા દે. નીચે ઘણી કેરીઓ ભેગી થઈ ગઈ છે.’
અશ્વિની આંબા પરથી નીચે ઊતરી. ભેગી કરેલી કેરીઓ લઈને બંને બહેનો વાડીની બહાર તરફ જવા નીકળી ત્યાં અચાનક એક દીપડો ત્યાં આવી ગયો.
દીપડાને જાેઈ અશ્વિનીની નાની બહેન ચીસ પાડી અને ફ્રોકના ખોળામાં ભરેલી કેરીઓ ફેંકી ભાગવા ગઈ. નાની ભાગતી છોકરીને જાેઈ દીપડો તેની પાછળ પડ્યો તેણે પળવારમાં અશ્વિનીની બહેનને પકડી પાડી. તેણે અશ્વિનીની બહેનનું માથું મોંમાં અને પગ પંજામાં પકડ્યા હતા.
અશ્વિની ઘડીભર તો ડરી ગઈ. હતપ્રભ ગઈ ગઈ. નાની બહેન દીપડાના પંજામાં ફસાયેલી હતી. દીપડો ભયંકર હતો. તેને નાની બહેનનો જીવ બચાવવો હતો. પણ કરવું શું ? હિંમત એકઠી કરી અશ્વિની તેની સામે દોડી. નાની બહેન રોહિણી દીપડાના પંજામાં બરાબર ફસાયેલી હતી. અશ્વિની પાસે ઢગલો કેરીઓ હતી. તેણે કેરીઓ લઈ ધડાધડ દીપડાને મારવા લાગી.
અચાનક થયેલા હુમલાથી દીપડા બઘવાઈ ગયો. તે રોહિણીને મૂકીને બાજુના શેરડીના ખેતરમાં જતો રહ્યો. રોહિણી ઘાયલ થઈ ગઈ. તેને માથાના ભાગે અને પગના ભાગે ઘણી ઈજાઓ થઈ હતી. લોહી પણ નીકળતું હતું. અશ્વની તેની નજીક આવી. તેણે નાની બહેન રોહિણીને ઊભી કરી. તેનાં કપડાં ખંખેરવા લાગી. ત્યાં તો બૂમાબૂમ સાંભળીને આજુબાજુના ખેતરમાં અને વાડીમાં કામ કરતા લોકો દોડી આવ્યા. અશ્વિનીએ દીપડા પર કેરીઓની પ્રહાર કરીને નાની બહેન રોહિણીનો જીવ બચાવ્યો તે વાત જાણીને ગામના લોકો તેનાં વખાણ કરવા લાગ્યાં. તેવામાં અશ્વિનીના મામા અને મામીને પણ ખબર મળતાં તે દોડીને આવ્યાં. બંને બહેનોને સાથે લઈ દવાખાને ગયાં. રોહિણીને પ્રાથમિક સારવાર આપવામાં આવી.
૯ જૂન, ર૦૧૪ના દિવસે મહારાષ્ટ્રના આકોલા મેહંદુરી ગામમાં બનેલ આ ઘટનાની વાતો અખબારો અને મીડિયા દ્વારા લોકો સુધી પહોંચી. ૧૩ વર્ષની અશ્વિની બંડુ ઉધડેના અસાધારણ શૌર્ય અને સાહસની ચારે તરફ પ્રશંસા થવા લાગી.
અશ્વિનીએ બતાવેલ હિંમત અને સાહસથી નાની બહેન રોહિણીનો જીવ બચી ગયો. તેની આ સાહસ અને શૌર્યની ગાથા છેક દિલ્હી સુધી પહોંચી. રાષ્ટ્રીય બાળ કલ્યાણ પરિષદ દ્વારા અશ્વિનીને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર આપવા માટે ભલામણ કરવામાં આવી.
ર૪મી જાન્યુઆરી, ર૦૧પના રોજ દિલ્હી ખાતે વડાપ્રધાનના હસ્તે અશ્વિનીને ‘ રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર’ એનાયત થયો. ત્યારે તેનાં માતા-પિતા અને બહેન રોહિણી તેમ જ અશ્વિનીના મામાના ગામ મેંહદુરીના લોકોના ચહેરા પર આનંદ છવાઈ ગયો.