અંતિમ પસંદગી
એક વિશ્વ વિદ્યાલયમાં ગુજરાતીના અધ્યાપક માટેની લીખીત પરીક્ષા યોજવામાં આવેલ. તેમાં મેં આખા રાજયમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. રૂબરૂ મુલાકાતમાં મારી જ પસંદગી થશે તેનો મને પુરો ભરોસો હતો.
નિયત તારીખે સંપૂર્ણ તૈયારી સાથે હું રૂબરૂ મુલાકાત માટેના ખંડમાં પ્રવેશ્યો. અધ્યક્ષ મહોદયે પોતાના ચશ્મા સરખાં કરતાં પુછયું, તમે રૂબરૂ મુલાકાતનું માધ્યમ લખ્યું નથી. આઈ મીન તમે ઈન્ટરવ્યુ ગુજરાતીમાં આપશો કે અંગ્રેજીમાં ?
તેમના આ આકસ્મીક પ્રશ્ને મને અંદર ઘુસી હલબલાવી દીધો.પોતાની જાતને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરતાં સંયમપૂર્વક મેં કહ્યું.
માફ કરજાે શ્રીમાન, આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે હજુ અંગ્રેજીના મોહપાશમાં બંધાયેલા છીએ. ગુજરાતી આપણી માતૃભાષા છે અને માતૃભાષા પ્રત્યે આપણને આપણી માં અને માતૃભૂમિ સમાન શ્રદ્ધા હોવી જાેઈએ. આપણે એવા લોકો તરફ દ્રષ્ટી કરવી જાેઈએ. માતૃભાષાની ઉન્નતિ માટે સમર્પિત થઈ ગયા અને આપણે.. આટલા ઉંચા અને જવાબદારીવાળા પદ પર બેઠા હોવા છતાં..
તેઓ બધા મને નિર્વાહ સાંભળતા રહ્યા. પછી વિષયના અભ્યાસક્રમ અંગેના પ્રશ્નો પુછવામાં આવ્યા. મેં બધા જ પ્રશ્નોના સાચા અને બરોબર જવાબ ત્વરીત આપ્યા.
મને મારી એ રૂબરૂ મુલાકાતથી ખુબ સંતોષ હતો પણ પેલો પ્રથમ પ્રશ્ન હજુ મને જાણે કે હથોડાનો ઘા મારી રહ્યો હતો.તે રીતે કોણ જાણે કયારે આંખ મીંચાઈ. મને સપનામાં એક ડોશીમા દેખાયા.તેમના સફેદ વાળ વિખરાયેલ હતા, વસ્ત્રો જર્જરીત થઈ ગયેલા હતા. ફાટી ગયેલા પાનીવાળા પગમાં તુટેલા ચંપલ હતા. કપાળ પર ચિંતાની અસંખ્ય કરચલીઓ દેખાતી હતી. હું કંઈ કહું તે પહેલાં જ તે આર્દ્ર સ્વરે બોલ્યા, બેટા આ તેં બરાબર ન કર્યું આવું કરીને તે તારા જ પગ પર કુહાડી મારી છે.. તારી બેકારી જાેઈને મારા રોમ રોમમાં જવાળાઓ ઉઠે છે.. બેટા.. કહેતાં કહેતાં એ રડી પડયાં.
તે પછી હું આખી રાત સુઈ ન શકયો. અનિષ્ટની આશંકા મને ઘેરી વળી. જાેકે મારો ઈન્ટરવ્યુ તો બહુ સારો ગયો હતો..
અને તેમાં પણ ગુજરાતી ભાષાની હિમાયત કરવી એ પ્રત્યેક ગુજરાતીનું કર્તવ્ય છે. મારા ગુજરાતી પ્રેમથી અધ્યક્ષ મહોદય બહુ રાજી થયા હશે.. મનના કોઈ ખુણે હજુ શંકા સળવળી રહી હતી.
આજ આયોગના કાર્યાલયે જઈ પરિણામ જાેયું તો કોઈ અવકાશી પીંડ ધડામ દઈને માથે આવી પડયો.. જેણે મારી ચેતનાને જાણે છિન્નભિન્ન કરી નાખી.
અંતિમ પસંદગી યાદીમાં ન તો કયાંય એ ડોશીમા હતાં કે ન તેની હિમાયત કરનાર પુત્ર.