ટેઈલર માસ્ટરનો ઝુલતો માળો
પક્ષી જગતમાં અનેક કૌતુકો ભરેલાં છે.દરેક પક્ષીઓ પોતાનાં માટે તથા બચ્ચાંના ઉછેરને માટે વૃક્ષો પર માળો બાંધે છે.દરેક પક્ષીઓ કોઈ વેઠ કાઢતા હોય તેમ ઘાસના થોડાંક તણખલાં ભેગાં કરીને તેમાં પરબારા ઈંડા મૂકીને માળો તૈયાર કરતાં નથી.કેટલાક પક્ષીઓ ઈજનેરની જેમ યુક્તિપુર્વકનો પ્લાન તૈયાર કરીને સરસ જગ્યા શોધીને માળો બાંધે છે.ચણતરમાં વપરાતી ચીજાે પણ વીણી વીણીને પસંદ કરે છે.દિવસોના દિવસો કે મહીનાઓ સુધી મહેનત કરીને માળો બાંધે છે.કેટલાંક પક્ષીઓના માળા આપણા મકાનો કરતાં પણ ચડીયાતા હોય છે.ડીઝાઈનમાં લાજવાબ હોય છે.ઘણી વખત માળાનું કદ અને આકાર પણ આશ્ચર્ય પમાડે તેવું હોય છે. વિરાટ અને વામન માળા બાંધવા માટે અનેક પક્ષીઓએ પોતાના નામ નોંધાવ્યા છે.છતાંય માળામાં કારીગરીનો સવાલ આવતો હોય ત્યાં આપણા દરજીડાને કે સુગરીને કોણ પહોંચે ? દરજીડાને અંગ્રેજીમાં ટ્રેઈલર માસ્ટર છે.સિવણકામ માટે તેને કોઈ સીલાઈ મશીનની જરૂર નથી પડતી.કારણ કે તેની ચાંચનો આકાર જ સોય જેવો અણીદાર હોય છે.માળો બાંધવા માટે દરજીડો બે મજબુત પાંદડા જ્યાં સાથે લટકતાં હોય એવું ઝાડ શોધે છે.એક પાંદડામાં છેક નીચે કાણું પાડીને તે બારોબાર દોરો પરોવે તો તે બીજી તરફ ખેંચે તો તે દોરો પાછો નીકળી જાય કે નહીં ? દોરાના છેડે ગાંઠ ના બાંધી હોય તો એવું થાય પરંતુ દરજીડો બુધ્ધુ નથી અને ભુલકણું પણ નથી.પહેલું કામ તે ગાંઠ બાંધવાનું કરે છે.દોરાનો આગલો છેડો ત્યારબાદ સામેના પાંદડે ચાંચ વડે પરોવે છે અને બરાબર ખેંચીને બંને પાંદડાં ભેગાં કરી દે છે. જેવી રીતે ફાટેલા શર્ટને જાણે ટાંકા લેવાના હોય એ રીતે દરજીડો સિલાઈ કરે છે.થોડીવારની મહેનત કર્યા બાદ ઝુલતા ઘોડીયા જેવો માળો તૈયાર !જમીનથી તે ત્રણ ચાર ફૂટ ઉંચે જ માળો હોય. છતાંય ઝાડ સામે ધારીને નજર ના કરો તો તે ના દેખાય. કારણ કે તે બીજા પાંદડાની સાથે દરજીડાનો માળો એકદમ ભળી જાય છે.વૃક્ષના પાંદડા પણ લીલા હોય છે અને દરજીડાનો માળો પણ લીલા પાંદડાનો બનેલો હોય છે. આ પક્ષી તેમાં ઈંડા મુકતા પહેલાં નીચેના ભાગમાં રૂની અથવા પીંછાની મુલાયમ ગાદી પાથરે છે.દરજીડાના બચ્ચાં પણ આવા ગાદીવાળા ઘોડીયામાં ઝુલીને મોટા થાય છે.કાગડા જેવા દુશ્મનો મોટે ભાગે તો દરજીડાના માળાને શોધી જ ન શકે.છતાં બચ્ચાંઓનો કલબલાટ સાંભળીને માળા તરફ આવે તો દરજીડો ખાસ અવાજ કાઢીને બચ્ચાંને ચેતવી દે છે અને બચ્ચાં પણ ખામોશ થઈ જાય છે.જયારે દુશ્મન ત્યાંથી જતો ન રહે અને ‘ઓલ કલીયર’ નું સિગ્નલ ન મળે ત્યાં સુધી સહેજ પણ ઘોંઘાટ કરતા નથી.એ પછી દરજીડો પણ માળામાં જવાના બદલે બીજી દિશામાં ઉડી જાય છે.એટલે કાગડો પણ એની પાછળ દોરવાય છે.મતલબ કે ઉસ્તાદ કાગડાને ઉસ્તાદોં કા ઉસ્તાદ જેવો દરજીડા સાવ ખોટા રસ્તે ચડાવે છે.
ઉસ્તાદી બતાવવામાં સુગરી પક્ષીનો પણ જવાબ નથી.આ પક્ષીનું અંગ્રેજી નામ વીવરબર્ડ એટલા માટે પડયું કે,ટેઈલર બર્ડની જેમ તે સિલાઈ કરીને માળો નથી બનાવતું.વનસ્પતિના રેષાને તે ગુંથે છે.(વીવર એટલે ગુંથણકામ કરનાર)સુગરીની પહેલી ઉસ્તાદી એ કે તે પોતાના માળાને ઉંધો લટકાવે છે અને દરવાજાે નીચેની દિશામાં રાખે છે જેથી દુશ્મનને તેમાં દાખલ થવાનું ફાવે નહીં.માળો બાંધવા માટે ઝાડ પણ એવું પસંદ કરે કે,જેની ડાળ નીચે તળાવ હોય અથવા કુવો હોય અથવા ખાબોચિયું હોય.એટલે જાે દુશ્મન માળામાં પ્રયાસ કરતાં પડી જાય તો પડે નીચે પાણીમાં ! ઊંચું ઝાડ હોય તો નીચે પાણી જરૂર હોય તેવું ના પણ હોય. માળો બાંધવાની જગ્યા પસંદ કર્યા પછી સુગરી તાડ, નાળીયેરીના કે ખજુરીના પાંદડા ચીરીને લાંબી પટ્ટી ખેંચી કાઢે છે અને તેનો ગાળીયો બનાવે છે.આ ગાળિયો એટલે માળાનો પાયો !સુગરી પાયો તૈયાર કર્યા બાદ ઘાસ અને રેષા લાવે છે.પાયા સાથે તેને બાંધીને માળાનું ગુંથણકાર્ય શરૂ કરે છે.લાંબી નળી જેવો આકાર બનાવે છે.વચલા ભાગમાં બચ્ચાં માટે ઓરડો પણ તૈયાર કરે છે.કયારેક એક નહીં પણ બે ઓરડા બાંધે છે.માળાની નીચેનો ભાગ એટલો બધો સાંકડો કરી નાખે છે કે શિકારી તેમાં પોતાનું માથું પણ નથી નાખી શકતો પરંતુ સુગરીને પોતાના ઘરમાં દાખલ થવાને માટે કોઈ જ તકલીફ પડતી નથી.નીચેથી તે સડસડાટ ઉડતી આવે છે અને છેલ્લી ઘડીએ પાંખોને સંકેલીને માળામાં ઘુસી જાય છે.કયારેક ચોમાસામાં કોઈ નિર્જન વગડામાં કે ગામના પાદરે જાય ત્યારે સુગરીનો માળો અવશ્ય જાેવા મળે ત્યારે દુરથી ઉભા રહીને એ માળાનું અવલોકન કરજાે. કઈ રીતે સુગરી તેમાં આવ જા કરે છે અને એની ગુંથણ કલાને અવશ્ય જાેજાે.