ભવાઈ અને અસાઈત ઠાકર એક સિક્કાની બે બાજુ
ભવાઈ કરવી ને જુદી જુદી રીતે સમજવામાં આવે છે. કોઈ સારું કામ થતું હોય ત્યાં જો કોઈ ખરાબ કરવા આવે કે ખરાબ કરીને નીકળી જાય તો ભવાઈ કરી એમ કહેવામાં આવે છે. કોઈ વધારે ચેનચાળા કરે તો શું ભવાયા જેવું કરો છો એમ વાક્ય સાંભળવા મળે છે. પરંતુ હકીકતમાં એવું નથી. ભવાઇ એ ગુજરાતનું એક પરંપરાગત લોકનાટ્ય સ્વરૂપ છે. આ ભવાઈ શબ્દને સમજવા માટે જોઈએ તો આ શબ્દમાં ભવ એટલે વિશ્વ, જગત અથવા સર્વકાળ અને આઇ એટલે માતા. આવા બે શબ્દોને ભેગા કરી ભવાઈ શબ્દનું નિર્માણ થયું છે. ભવાઇને શક્તિની ઉપાસના તરીકે જોવામાં આવે છે જે માં મા અંબાની ભક્તિને કેન્દ્રમાં રાખી ભવાઈ ભજવાય છે. એનો ઇતિહાસ જોઈએ તો ભવાઇની શરૂઆત સિદ્ધપુરના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણકુળમાં જન્મેલા કવિ અને કથાકાર અસાઇત ઠાકરે કરી હતી.
લોકવાયકા મુજબ અન્ય સમાજની દીકરી ગંગા પગપાળા મુસાફરી કરી રહી હતી. ત્યાં કેટલાક લોકો એનો પીછો કરતાં હતાં. અસાઈત આ જોઈ ને વાત સમજી જાય છે. એ ગંગાને બૂમ મારી ઊભી રાખે છે. ચાલ, આપણે ભાથું પૂરું કરીએ. આ રીતે અસાઈત ઠાકર દીકરીની લાજ બચાવવા તેની સાથે ભોજન લેવાના કારણે તેને ધર્મભ્રષ્ટ માની અસાઈત ઠાકરને નાતમાંથી બહાર કર્યા. આ સમયમાં જીવન નિર્વાહ માટે અસાઈત ઠાકર દ્વારા ભવાઈના વિવિધ વેશ લખવામાં આવ્યા.
ગુજરાતના લોકનાટક ભવાઇમાં ખાસિયત એ છે કે અહીં બધાં પાત્રો પુરુષો દ્વારા જ ભજવવામાં આવે છે. ભવાઇની મંડળીના કલાકારોના પ્રમુખને નાયક તરીકે ઓળખવામાં આવે છે. આવા પરિવારો આજે ભલે ભવાઈ કરતાં ન હોય પરંતુ નાયક લખવાનો એમને અધિકાર છે. આ ભવાઈના મુખ્ય પુરુષ પાત્રને રંગલો અને સ્ત્રી પાત્રને રંગલી કહેવામાં આવે છે. આજે ભારતના પ્રસિદ્ધ કોમેડી શૉ આપણે જોઈએ છીએ. એમાં પુરુષોને મહિલા તરીકે રજૂ કરવામાં આવે છે. આપણે સૌ એને જોઈએ અને વખાણીએ છીએ. પરંતું એની શરૂઆત અસાઈત ઠાકર દ્વારા કરવામાં આવી.
આજે ભવાઈનો ઇતિહાસ જોવા જઈએ તો એમાં ૩૬૦ વેશ ઉપલબ્ધ છે. આ ત્રણસો સાહીઠ વેશમાં સૌથી જૂનામાં જૂનો વેશ રામદેવપીર નો હોવાનું માનવામાં આવે છે. આજ રીતે કજોડાનો વેશ પણ પ્રખ્યાત છે. જેમાં નાનકડો છોકરો વર અને યુવાન સ્ત્રીના લગ્ન જીવનનો અહી ચિતાર જોવા મળે છે. આજે પણ આ વેશ પરંપરાગત રીતે જ ભજવવામાં આવે છે. કળા શાસ્ત્રમાં ભવાઇને ભાવપ્રધાન નાટકો તરીકે જોવા અને મૂલવવામાં આવે છે. કેટલાક શબ્દો જે ભૂલયાની આપણે વાતો કરીએ છીએ. અહીં તો ભવાઈ કલા મરી
પરવારી છે ત્યાં એની સાથે જોડાયેલ મૂળ શબ્દો ને તો કેવી રીતે જીવંત રાખી શકાય? આમ છતાં જોઈએ તો ભવાઈ મંડળી માટે આજે પણ પંડુ શબ્દ વપરાય છે. જ્યારે ભવાઈ મંડળીમાં સ્ત્રીપાત્ર ભજવવાળી મંડળીના પુરુષોને કાંચળીયા તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈને લોક નાટક કહો કે ભાવ નાટક પરંતુ તેના શોધક તરીકે અસાઈત ઠાકર સમગ્ર વિશ્વમાં એક માત્ર નામ છે. જે ઉત્તર ગુજરાતને આગવું મહત્વ આપવી જાય છે. સિદ્ધપુરના અસાઈત ઠાકર ની શરૂઆત અને કર્મભૂમિ તરીકે ઊંઝા ને ઓળખવામાં આવે છે. આટલા વર્ષો પછી અને આધુનિક મીડિયા સામે થાકીને ઉભેલ આ ભવાઈમાં રંગલો અને રંગલી પ્રવેશ કરી ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત આજે પણ કરે છે. જે આટલા વર્ષે જળવાઈ રહ્યું છે. ભવાઈ ને આધારે ગુજરાતમાં બનેલી પ્રથમ ફિલ્મ બહુરૂપી હતી. આ ફિલ્મ બની એ અગાઉ નાટક કે સ્ટેજ ઉપર ભવાઈ કરવાના પ્રયોગો થયા. જેમાં ભવાઈ શૈલી આધારિત નાટક તરીકે મિથ્યાભિમાન ને યાદ કરવું જરૂરી છે.
અસાઈત ઠાકર દ્વારા ભવાઈના પ્રકારની શોધ થઈ. પરંતુ આ ભવાઈમાં જ્યાં અને જેટલો સંગીતનો ઉપયોગ થતો તે પણ શાસ્ત્રીય રાગ આધારિત હતો. આ ભવાઈમાં માઢ, પ્રભાત, ગોડી, સોરઠ, મારું, આશાવરી, વિહાગ, ભૈરવી, સારંગ, કાનડો, મલ્હાર જેવા રાગ અને તરગડો, લાવણી, દોઢિયો, ચેતમાન, ચલતી, દીપચંદી, કેરવો, હીંચ જેવા તાલ પણ વાપરવામાં આવતા. આધુનિક સમયમાં વાદ્યોમાં ફેરફાર થયો પરંતુ આ તાલ ભવાઈની આગવી ઓળખ બન્યા. આ રાગ અને તાલ સાથે ભૂંગળ, નરઘાં અને કાંસીજોડાં એ કાયમી અને ઓછામાં ઓછી સામગ્રી જેના વડે ભવાઈના વેશ ભજવવામાં આવે છે.
દુનિયામાં ઉત્તર ગુજરાતની દેન અને ગુજરાતનું લોકનાટ્ય સ્વરૂપ એટલે ભવાઈ.