મદદ કરવા માટે સતત તત્પર એવા દિવ્યાંગ શિક્ષકની અનોખી જીવન શૈલી

રસમાધુરી
રસમાધુરી

અનેકોના સહયોગી અને માર્ગદર્શક દિવ્યાંગના સહયોગી

એક શિક્ષક. એમનું નામ બકુલભાઈ

તેઓના પિતા શિક્ષક તરીકે આગવી ઓળખ ધરાવે. બકુલભાઈ ના પિતાજીનું નામ વાલજીભાઈ અને માતાનું નામ પુંજીબેન. પરિવારમાં હાલ બે ભાઈ અને એક બહેન હયાત છે. પિતાજી વ્યવસાયે શિક્ષક હોઈ એમના સંતાનો ને વારસામાં કેળવણીમાં વિવિધ મૂલ્યો આપ્યા. બકુલભાઈ નું પ્રાથમિક શિક્ષણ એમના પિતાજી ને હાથે પૂર્ણ થયું. એમના ભાઈ આજે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બકુલભાઈ પણ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બંને ભાઈઓની જોડી આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં રામ લક્ષમણની જોડી તરીકે ઓળખાય છે. ભણવામાં બંને ભાઈઓ ખુબ જ હોંશિયાર, પરંતુ બકુલભાઈ ઉંમરમાં મોટા હતા,પરંતુ લગભગ બે કે ત્રણ વર્ષની ઉંમરે એમને તાવ આવ્યો. એ જમાનામાં નાની ઉમરના બાળકોને ઇન્જેક્શન આપતાં એમને પગમાં પોલીયો થયો. આ સમસ્યા પછી બંને પગ બકુલભાઈ એ ગુમાવ્યા.

પગ ગુમાવનાર આ છોકરાએ ભણતરની પાંખો ખોલી નાખી. સતત શીખવાની ટેવ ને કારણે તેઓએ બીએડ સુધીનો અભ્યાસ કર્યો. વર્ષ: ૧૯૯૮ થી તેઓ બનાસકાંઠા જીલ્લામાં શિક્ષક તરીકે જોડાયા. એક પંખીનું નામ ધરાવતા આ માણસ પણ ખુબ ઉડે. શિક્ષક તરીકે શરૂઆતના વર્ષોથી તેઓએ બાળકોની શૈક્ષણિક સમસ્યાઓ અને તેની સામે પડકાર અને સમસ્યાના નિકાલ સુધી પહોંચવાની એમની આગવી તાકાત થકી તેમણે નવતર સંશોધન કાર્ય કર્યું, બાળકો ઉપર પ્રયોગો કર્યા છેવટે પરિણામ સુધી પહોંચ્યા. આ એક એવા શિક્ષક છે જેમના નવતર વિચારની નોધ રાજ્ય કક્ષાએ લેવાઈ.

બાળકોને વાચનમાં રસપ્રદ રીતે આગળ ધપાવવા માટે તેમણે અનેક નવતર કાર્યો કર્યા. મહારાષ્ટ્ર સ્થિત સ્ટેટ ઇનોવેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, સોલાપુર ખાતે આયોજિત નેશનલ કોન્ફરન્સમાં એમણે વાચન કૌશલ્ય વિકસાવવાના નવતર પ્રયોગો અંગે સંશોધન રજુ કર્યા. અનેક બાળ સામયિકોમાં અવાર-નવાર લેખ, વાર્તાઓ, ગીતો અને નિબંધો લખવાના શરુ કર્યા.  છેવટે બાળકો માટેના સાહિત્ય સર્જનમાં એમની પકડ વધી ગઈ. જીલ્લા કે રાજ્ય કક્ષાના શિક્ષકોની તાલીમ માટે મોડ્યુલ લેખનથી શરુ કરી વિશેષ પ્રકારના લેખો અને વિષય ઉપર કામ કરવાની તક એમને મળી છે. જ્યારે આખી દુનિયા અડધા કરતાં વધારે સ્થિર થઇ ગઈ હતી. જ્યારે કોઈને કશું જ નવું કરવાનું સુજતુ ન હતું. શૈક્ષણિક સંસ્થાઓ અને સંકુલો માત્ર સિમેન્ટની બિલ્ડીંગો બની ગઈ હતી. આ સમયે બાળકો સાથે રહેવા ટેવાયેલ આ શિક્ષકે ઘરે બેઠા બાળકો સાથે અસરકારક રીતે જોડાઈ શકાય એ માટે ખાસ કરવાનું નક્કી કર્યું.

બાળકો ને ગમે અને તેઓ આ વૈશ્વિક કટોકટીના સમયમાં શિક્ષણથી દૂર ન થાય એ રીતે શાળા સાથે, શિક્ષણ સાથે અને વ્યક્તિગત રીતે શિક્ષક સાથે જોડાયેલ રહે એ માટે કશુક કરવાનું વિચાર્યું. એક તરફ જયારે સૌ સોશિયલ મીડિયામાં ચિંતાઓ અને અફવાઓ માટે કામ કરવાનું થતું હતું ત્યારે બકુલભાઈ એ બાળકો, વાલીઓ અને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોમ  ઉપર એમણે ટહેલ નાખી. અનેક વ્યક્તિઓએ નવા અને સરળ છતાં ઉપયોગી બાળ ગીતોનું સર્જન કરી મોકલી આપ્યા. બકુલભાઈ ધ્વારા આ બાળગીતોનું સંકલન કરવામાં આવ્યું. લગભગ એકસો પચાસ જેટલા પસંદ થયેલ બાળગીત સંગ્રહ તૈયાર કરવામાં આવ્યો. આ ગીતો સમગ્ર રાજ્યમાંથી પસંદ થયા. છેવટે આ પુસ્તક પણ સમગ્ર રાજ્યમાં બકુલના બાળગીત સંગ્રહ તરીકે ઓળખાય છે.

શાળામાં ઉત્તમ કામગીરી સાથે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ ચિંતા ને ચિંતનને કારણે અનેકોને પગભાર કરવામાં એમણે સફળતા મેળવી છે. દિવ્યાંગ કલાકારો માટેનો મંચ પૂરું પાડવાનું એમણે છેલ્લા આઠ એક વર્ષથી નિયમિત રૂપે જાળવી રાખ્યું છે. અનેક પરિવારો આજે પક્ષીનો નામ ધરાવતા આ શિક્ષક એવા બકુલભાઈ ની સાથે જોડાયેલ છે. સતત નવું નવું કરવાને કારણે બકુલભાઈ સમગ્ર જીલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વર્ષ: ૨૦૨૦ માં સન્માનિત થઇ ચુક્યા છે. અત્યારે પાલનપુર તાલુકાની ખોડલા પ્રાથમિક શાળા ખાતે તેઓ ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આગવાં સર્જક, શિક્ષક અને નવ સર્જક બકુલભાઈના સંપાદિત બાળગીતો દર શનિવારે કિલ્લોલ કૂંજમાં પ્રકાશિત થઇ રહ્યા છે.

નાની ઉમરે ભગવાને એમના બંને પગ લઇ લીધા. નાના ભાઈ તરફથી દરેક તબક્કે સહકાર મળ્યો. ભણવામાં તેજસ્વી હોઈ એમણે સરકારી શાળામાં શિક્ષક તરીકેની જવાબદારી મળી. એક તો શિક્ષકના પુત્ર અને શિક્ષણ થકી જ વિકાસ હોવાનું સ્પષ્ટ માન્યતા ધરાવનાર આ વ્યક્તિએ અનેકોને અભ્યાસ માટે સહયોગ કર્યો.દિવ્યાંગ વ્યક્તિઓ માટે જીવન સાથી પસંદગી માટે આયોજન કર્યા અને અનેક પરિવાર ઉભા કરવામાં એમણે સહયોગ કર્યો. શોધ, સંશોધન અને સહકાર સાથે તેઓ સતત આગળ ચાલતા રહ્યાં. શાળામાં સૌથી પ્રિય શિક્ષક હોવા સાથે તાલુકા, જીલ્લા અને રાજ્ય સુધી ઉત્તમ શિક્ષક તરીકે આગવી ઓળખ ધરાવનાર  આ વ્યક્તિને મળવું અનોખી અનુભૂતિ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.