રક્ષાસૂત્ર- ભાઈબહેનના હેતનું અતિમૂલ્યવાન બંધન
“હૈયે હૈયે ભાઈ બહેનના ,ગીતો ગૂંજે નવલા છંદે !
બહેનીના અંતર આનંદે, આ પાવન રક્ષાબંધન !”
મેવાડની રાણી કર્માવતીના પતિના મૃત્યુ બાદ તેના રાજ્ય પર બહાદુરશાહે આક્રમણ કર્યું હતું. કહેવાય છે કે રાણી કર્મા વતીને બહાદુરશાહના હુમલાથી બચાવવા માટે મુગલ શાસક હુમાયુને રાખડી મોકલીને મદદ માંગી હતી. હુમાયુ તે સમયે બંગાળ પર આક્રમણની તૈયારી કરી રહ્યો હતો. રાણી કર્માવતીની રાખડી મળતા હુમાયુએ રાખડીની લાજ રાખી અને તત્કાલ મેવાડ તરફ કુચનો આદેશ આપ્યો હતો. પણ બન્યું એવું કે, હુમાયુએ મેવાડ તરફ કુચ તો કરી પરંતુ તે સમય પર પહોંચવામાં સફળ ન રહ્યો. આ જ કારણે રાણી કર્માવતીએ કિલ્લાની અન્ય મહિલાઓ સાથે જૌહર કરી લીધું હતું. ત્યાં પહોંચ્યા બાદ હુમાયુને ખૂબ દુઃખ થયું હતું; તો પણ બહાદુર શાહની સામે લડી તેને પરાસ્ત કરીને રાણી પદ્માવતીના પુત્રને મેવાડનો શાસક બનાવ્યો હતો. દાનવેન્દ્ર રાજા બલીએ જ્યારે સો યજ્ઞ પૂર્ણ કરીને રાજ્યને પોતાના નામે કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઇન્દ્ર અને બીજા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ત્યારબાદ ભગવાને વામન અવતાર ધારણ કરીને રાજા બલિ પાસે ભિક્ષા માંગી. શુક્રાચાર્ય ગુરુની મનાઈ હોવાછતાં પણ તેને ત્રણ ડગલાનું ભૂમિદાન કરી દીધું. ભગવાને ત્રણ પગલાંમાં આકાશ, પાતાળ અને ધરતી માપી લીધી અને બલી રાજાને પાતાળમાં ઉતારી દીધો.
આ રીતે ભગવાન વિષ્ણુ દ્વારા બલિરાજાનું અભિમાન ચકનાચૂર થઈ ગયું. તેથી આ દિવસ બળેવના નામે પણ ઓળખાય છે. જ્યારે બલિરાજા પાતાળ ગયા તો તેમણે તેમની ભક્તિના બળે ભગવાનને રાત-દિવસ તેમની પાસે રહેવાનું વચન માગી લીધું. ભગવાન વિષ્ણુ પણ વચન આપીને બંધાઈ ગયા અને બલિ રાજા પાસે જ રહી ગયા.હવે વિષ્ણુ ભગવાન ઘરે ન આવતા લક્ષ્મીજી પરેશાન થયા ત્યારે નારદજીએ જણાવ્યું કે વિષ્ણુ ભગવાને બલિરાજાની પાસે રહેવાનું વચન આપ્યુ છે. ત્યારબાદ નારદજીના બતાવેલ માર્ગ પ્રમાણે બલિરાજાને રાખડી બાંધી અને રાખડીના ઉપહાર અને આશીર્વાદના બદલામાં વિષ્ણુજીને માંગી લીધા. કહેવાય છે કે જે દિવસે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી તે દિવ સે શ્રાવણી પૂર્ણિમા હતી.
માનવામાં આવે છે કે સિંકદર-પોરસ વચ્ચેના યુદ્ધથી સિકંદરની સાથે આવેલ તેની પત્ની ગભરાઈ ગઈ હતી. તેને ડર હતો કે ક્યાંક આ યુદ્ધમાં પોરસના હાથે સિકંદર મરી ન જાય. તેને સમજાતું ન હતું કે તે શું કરે. તે દરમિયાન તેને નક્કી કર્યું કે તે પોરસ પાસે જઈને સિકંદરનું જીવનદાન આપવાનું કહે. આ ગણતરી સાથે જયારે રાજા પોરસની શિબિર તરફ ગઈ, તો ત્યાં તેનું સ્વાગત થયું. કહેવામાં આવે છે કે તે વખતે રક્ષાબંધનનો તહેવાર હતો. તેણે જાેયું કે પોરસના સૈનિકોને તેમની બહેનો રંગબેરંગી તાંતણા મોકલ્યા હતા. તે જાેઇને તેને તેના વિષે પૂછ્યું તો જણાવવામાં આવ્યું કે આ રક્ષાસૂત્ર છે, જે ભાઈઓને પોતાની બહેનની રક્ષા માટે વચનબદ્ધ કરે છે. સિકંદરની પત્ની એ સમય ન બગાડતા રાજા પોરસના કાંડા ઉપર રાખડી બાંધી દીધી. તેને વિશ્વાસ હતો કે આમ કરવાથી જાે બધું બરોબર થઇ જાય તો પોરસ સિકંદરને યુદ્ધ ભૂમિમાં નહી મારે;
થયું પણ કઈક એવું જ. પછીથી યુદ્ધના સમયે એવી સ્થિતિ આવી, જયારે પોરસ સિકંદરનો જીવ લઇ શકતો હતો, પણ સિકંદરની પત્નીને આપેલા વચનને કારણે તેને સિકંદરને છોડી દીધો. આવી રીતે જીતેલી બાજી પોરસે સિકંદરના હાથમાં આપી દીધી. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે સ્વર્ગના દેવતા ઈંદ્ર રાક્ષસોની સામે પરાજીત થયા હતા ત્યારે ઈંદ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધ્યુ હતું જેથી કરીને તે દુશ્મનોનો સામનો કરી શકે. એકવખત ભગવાન શ્રી કૃષ્ણ શેરડી ખાઈ રહ્યા હતા. ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું; આ જાેઈને દ્રૌપદીએ પોતાની સાડીની કિનારને ફાડીને શ્રી કૃષ્ણની આંગળીએ બાંધી દિધી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેનું રક્ષણ કરવાનો ર્નિણય લીધો અને આજીવન તેને નીભાવતાં રહ્યાં. આધુનિક ઈતિહાસમાં પણ આનું ઉદાહરણ મળી આવે છે જ્યારે નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે બંગાળના વિભાજન બાદ હિંદુઓ અને મુસલમાનોને એક થવાનો આગ્રહ કર્યો હતો અને બંને સમુદાયના લોકોને એકબીજાના હાથ પર રક્ષાસૂત્ર બાંધવાનો આગ્રહ કર્યો હતો.
વહેલી સવારથી જ બહેનો
પોતાના વ્હાલસોયા ભાઇને શુભમૂર્હુતમાં પ્રેમ, લાગણી અને આશીર્વાદ સાથે રાખડી બાંધવાની તૈયારીઓ કરી દે છે અને હૃદયના સાચા ભાવ અને હેત સાથે
પોતાના ભાઇને કંકુતિલક કરી, રાખડી બાંધી મોં મીઠુ કરાવે છે. એટલું જ નહી, બહેનો પોતાનો ભાઇ સદાય સુખી રહે તેવા આશીર્વાદ આપી પ્રાર્થના પણ કરે છે. ભાઇઓએ પણ પોતા ની બહેનના જીવનમાં કયારેય દુઃખ ન આવે અને સદાય ખુશહાલ રહે તેવી શુભકામના પાઠવીને યથાશકિત ભેટ-સોગાદ અર્પણ કરે છે. આજના પર્વ નિમિતે ભાઇ તરફથી બહેનને અપાતી રોકડ રકમ-ભેટ-સોગાદ તો ગૌણ બાબત છે, સાચી વાત આજના પર્વમાં ભાઇ-બહેન વચ્ચેના પવિત્ર સ્નેહ અને સંબંધની છે; જે ભાઇ-બહેનના લાગણીભર્યા અને અવર્ણનીય પ્રેમને સાચા અર્થમાં અમર કરી દે છે. ભારતના મુખ્ય તહેવારોમાં રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. દેશના દરેક ખુણા ની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે. પરંતુ તેની ઉજવવાની રીત અને તેનું નામ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી –
પૂર્ણિમા અને પશ્ચિમમાં
એને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવાર નિમિતે બ્રાહ્મણો પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે શુભમૂર્હુતમાં જનોઇ બદલી નવી જનોઇ ધારણ કરે છે.
“રાખડીએ વચનો ભમતાં, વીરામાં છે પૂરી ક્ષમતા !
રાવણનેયે રામ બનાવે, આ ભાવન રક્ષાબંધન !”
પ્રવીણ એમ.નાઈ
રતનગઢ (તા.કાંકરેજ)