બીજાની ભૂલોને ભૂલો, તો જીવનમાં ખીલી જાય ફૂલો – મુનિ રાજસુંદરવિજય
જૈન પરંપરામાં અત્યારે પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના ચાલી રહી છે. વિશ્વના અનેક જૈનસંઘોમાં સૌ આરાધકો અત્યારે દાન-શીલ-તપ અને ભાવ ધર્મની વિભિન્ન રૂપે આરાધના કરતા હશે. સંપૂર્ણ વર્ષમાં જાે પર્યુષણ પર્વ એ હાર્દ છે, તો પર્યુષણ પર્વમાં ક્ષમાપના એ હાર્દ છે. સંવત્સરી પર્વ એ ક્ષમાપનાનું પર્વ છે. વર્ષ દરમિયાન કોઈપણ વ્યક્તિ સાથે જાણતાં-અજાણતાં મનદુઃખ થયું હોય, તો તેની નિખાલસતાથી ક્ષમાયાચના કરવાની છે. ખુદની ભૂલ હોય તો વિનમ્ર બની માફી માંગવાની છે, અને અન્ય કોઈથી ભૂલ થઈ હોય તો ઉદાર હૃદયે માફી આપવાની છે. ગમે તેટલી મોટી તપસ્યા કર્યા પછી પણ જાે હૃદયથી ક્ષમાયાચના કે ક્ષમાદાન કરવામાં ન આવે, તો તે કરેલી મોટી આરાધના પણ સાર્થક નથી.
સામેની વ્યક્તિ જઘન્યમાં જઘન્ય અપરાધ કરે, ત્યારે હૃદય કેટલું વિસ્તૃત રાખી શકાય છે, તેવી હમણાં જ એક ઘટના બની. તે રોમહર્ષક ઘટના જાેઈએ.
એક ભાઈ આર્થિક રીતે એકદમ નબળાં હતા. તેમણે સમાજના વરિષ્ઠ આગેવાન પાસે જઈ સહાય કરવા વિનંતી કરી. ઉદાર દિલ આગેવાન શ્રાવકે સારી એવી આર્થિક સહાય પણ કરી. ચાર-પાંચ વર્ષ વ્યતીત થયા. કોઈ એવી વિશેષ સામા જિક ઘટનાના સમાચાર તે ભાઈને મળ્યા. ખરેખર તે ગલત સમાચાર હતા, અને એ સમાચાર સાંભળી સહાય લેનારા પેલા ભાઈએ એ ઉદારદિલ શ્રાવક માટે ભયંકર અપશબ્દોમાં નનામી પત્રિકા બહાર પાડી. પોતાનું નામ લખવામાં સંકોચ થતો હતો, સાથે હિંમત પણ ન હતી. તેથી નામ ન લખ્યું. સમાજમાં એ નનામી પત્રિકા ખૂબ ચર્ચાઈ, પણ ઉદારદિલ શ્રાવક માત્ર ઉદાર જ નહીં, ગંભીર પણ હતા, તેથી તે ઘટનાને મન ઉપર ના લીધી, જાેકે આ નનામી પત્રિકા બહાર પાડનાર કોણ છે ? તે તેમને ખ્યાલ તો આવી જ ગયો.
ફરી ૬ મહિના પસાર થયા, અને તે નબળી પરિસ્થિતિવાળા ભાઈની પરિસ્થિતિ ઓર વિકટ બની. ત્યાં સુધી કે ‘આવતીકાલે ભોજન શેનાથી કરવું’ તેનો પણ જવાબ તેમની પાસે ન હતો. કોઈ ઉપાય ન જણાતાં આત્મહત્યાના વિચારો કરવા લાગ્યા. આખરે પત્નીના આગ્રહથી ન છૂટકે તે ભાઈ તે ઉદાર શ્રાવક પાસે પાછા પહોંચી ગયા. રડતી આંખે વિનંતી કરતા કહ્યું કે આપની અનુકૂળતા હોય તો ફરી થોડી મદદ કરો.
તે શ્રાવકે એકપણ પ્રશ્ન પૂછ્યા વિના, ભૂતકાળને યાદ કરાવ્યા વિના તે ભાઈને જાેઈતા હતા, તેનાથી પણ વધુ રૂપિયા આપ્યા, પણ આ વખતે એક શરત મૂકી કે મેં તને સહાય કરી છે, તે વાત તારે કોઈને પણ જણાવવી નહીં. આ શરત જાે સ્વીકાર્ય હોય, તો જ હું સહાય કરીશ. સાંભળી એ ભાઈની આંખમાં ઝળહળિયા આવી ગયા. એક અક્ષર બોલ્યા વિના ત્યાંથી ઘરે જવાના બદલે સીધા મારી પાસે આવ્યા. ભૂતકાળની ભૂલ માટે ખૂબ પશ્ચાત્તાપ કર્યો. તેમની વાત સાંભળી મારી આંખ માં આંસુ આવી ગયાં. ફરીવાર આવી ભૂલ ક્યારેય ન કરવાના દૃઢ સંકલ્પ સાથે પૂર્વકૃત ભૂલની આલોચના પણ લીધી.
બીજા દિવસે એ ઉદારદિલ શ્રાવક મારી પાસે આવ્યા. કાલની વાત જણાવતા મેં તેમને કહ્યુ ‘ એ ભાઈએ તમારી શરત તોડી છે, એ વિચાર ના કરતા, પણ નામ વિના દાન કરવાનું કારણ શું ? ‘આ પ્રશ્ન પૂછ્યો, તો પ્રથમ તેમણે કંઈ જ ઉત્તર ના આપ્યો. આખરે મારા આગ્રહથી એક જ વાક્યમાં તેમણે જે ઉત્તર આપ્યો, તે સાંભળી મારી આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા લાગ્યો. એ ઉદાર શ્રાવકે કહ્યુ ‘ એ ભાઈ જાે નનામી પત્રિકા લખી શકે, તો હું નનામું દાન ન કરી શકું ? ‘
ઉત્તર જાણીને મુખમાંથી ‘વાહ’ નીકળી જશે, અથવા હૃદય હલી જશે કે આવી પણ ઉન્નત વિચારધારા હોઈ શકે ! કચરો જ્યાં ભરાતો જાય, ત્યાં વાતાવરણ સુંદર ના બની શકે, તેમ વર્ષોનો જે નફરતનો કચરો છે, તે પણ આપણા ભીતર ને કલુષિત કરે છે, તેથી તેને આપણે દૂર કરીએ. હમણાં- હમણાં સર્વત્ર સ્વચ્છતા અભિયાન ચાલે છે. મને લાગે છે કે હૃદયમાં વર્ષોથી જામીને ઘન થઈ ગયેલા નફરતના કચરાને દૂર કરવો, એ કદાચ સર્વશ્રેષ્ઠ સ્વચ્છતા અભિયાન છે. બહાર કદાચ સ્વચ્છતા નહીં હોય, તોય હજી સ્વસ્થ રહી શકાશે, પણ જાે ભીતર
અસ્વચ્છતા હશે તો સ્વસ્થતાથી નહીં જ જીવી શકાય !વર્ષો પૂર્વે એક સરસ નાનકડી પંક્તિ ક્યાંક વાંચી હતી
‘ભૂલી જવી જે જાેઈએ, તે વાત યાદ છે, એટલે તો આપણી વચ્ચે
વિવાદ છે ‘
પરસ્પરના સંબંધોમાં ક્યારેક નાના-મોટા ખટરાગનાં નિમિત્તો મળે, પણ સમય જતા તેને ભૂલવાની તૈયારી રાખવી પડે. જે વ્યક્તિ ખટરાગને ભૂલતો નથી, તેની ભીતર સતત આગ સળગતી રહે છે. કોઈપણ વિવાદનું મૂળ આ જ છે કે જે ખરેખર ભૂલવું જાેઈએ, તે યાદ રાખ્યું છે. આમ જાેવા જઈએ તો આપણે ભૂલતા તો ઘણું હોઈએ છીએ, પણ મનની શાંતિ માટે જે ખરેખર ભૂલવા જેવું છે, તે જ આપણે ભૂલતા નથી. એ જાે
ભૂલાવા લાગે તો જીવન નંદનવન બની જાય !
આ જ સંદર્ભમાં બીજી પણ એક સરસ પંક્તિ છે
‘ દરેક વિવાદનું એક જ તો મૂળ છે, દરેક વ્યક્તિને લાગે છે, બીજાની જ ભૂલ છે’
આપણને હરદમ બીજાની જ ભૂલ દેખાય છે, ન હોય તો પણ અને પોતાની હોય, તોય માનવ સ્વભાવ પ્રમાણે આપણે તેને નજર અંદાજ કરીએ છીએ. જાે પરસ્પરના વિવાદને નિર્મૂળ કરવો હોય, તો સર્વપ્રથમ બીજાની ભૂલ જાેવાની બંધ કરવી જાેઈએ. ક્યારેક વિવાદની શરૂઆત થાય, ત્યારે આપણે સામેથી જ આપણી ભૂલ તરફ દૃષ્ટિપાત કરીશું, અને સામેની વ્યક્તિની ભૂલ હોય તોય તેને ના જ જાેઈશું, તો વિવાદ ક્યારેય વિકરાળ સ્વરૂપ ધારણ નહી કરી શકે.
ક્યારેક વિવાદ ખૂબ વધી જાય- પરસ્પર બોલવાનું બંધ થઈ જાય, ત્યારે આ મહત્ત્વની વાત વિચારવા જેવી છે કે તે વ્યક્તિ વિના તમે રહી શકવાના છો ? જાે નથી જ રહી શકવાના, તો તેને માફ કરી દો, અને જાે અક્ષમ્ય અપરાધ હોય અને તેને માફ કરવાની હૃદયની અંશ તૈયારી ના હોય, તો તે વ્યક્તિને જ ભૂલી જાઓ. વ્યક્તિ યાદ રહેશે તો વારંવાર મન સંક્લિષ્ટ થશે. આ વિષયનું મજાનું સૂત્ર છે
‘ જેને ભૂલી શકતા નથી, તેને માફ કરી દો,
અને જેને માફ કરી શકતા નથી, તેને ભૂલી જાઓ’
પર્યુષણ પર્વના દિવસોમાં ક્ષમાયાચનાના ગુણને કેળવીને પરસ્પરના વૈમનષ્યને દૂર કરી સર્વ જીવ સાથે આપણે મૈત્રીભાવ કેળવીએ.