નાની પ્રિયંકાએ કર્યું મોટું પરાક્રમ

રસમાધુરી
રસમાધુરી

આજ ફરી વાર નાની પ્રિયંકા દાદાજી પાસે વાર્તા સાંભળવાની જીદ કરવા લાગી. એટલે દાદાજીએ મજાકના ઢંગમાં વાર્તા કહેવાનું શરૂ કર્યું એક હતો રાજા.
‘દાદાજી.. તમે પણ શું ? આજના જમાનાની કોઈ સાચી વાર્તા સંભળાવોને..’ પ્રિયંકાએ પગ પછાડતાં કહ્યું, જેથી પ્રિયંકાના દાદા ગીરધારીલાલે તેને સરહદ પર હતા. તે સમયના અનુભવની વાત કહેવા માંડી. ગીરધારીલાલ સી.આર.પી.એફ.માં સેનાની તરીકે રહેલા. હવે તે સેવા નિવૃત્ત થઈ ગામમાં પોતાના કુટુંબ સાથે રહેતા હતા. તેમનો દીકરો જગતસિંહ બેંકમાં કામ કરે છે, જ્યારે જગતસિંહ બેંકની નોકરી માટે જાય ત્યારે નાની પ્રિયંકા પોતાના દાદાની સાથે રમતી. તેમનો ગણવેશવાળો ફોટો જાેઈને તે તેમને સેલ્યુટ કરતી અને કહેતી, દાદાજી જાે જાે એક દિવસ હું પણ પોલીસ ઓફિસર બનીશ.
નવરાશના સમયે તે દાદાજીનું માથું દાબી આપતી. તેમના વાળમાં હાથ ફેરવતી, દાદાજીને એ બહુ ગમતું. દાદાજી કહે એમ એ કરતી અને બદલામાં દાદાજી પાસે વાર્તા સાંભળતી. આ વાર્તાઓ બધી સાચી હતી. તેને આપણે સંસ્મરણો કહી શકીએ.ગીરધારીલાલ પોતાના નોકરીના સમયગાળા દરમિયાન જુદી જુદી જગ્યાએ રહેલા ત્યાંના લોકોને રીતરીવાજ, વાતાવરણ, મુશ્કેલ પરીસ્થિતિ, બહાદુરી અને ખતરાના પ્રસંગો પ્રિયંકાને બહુ જ ગમતા.તેથી તે ઘણી વખત દાદાજીને કહેતી, ‘દાદાજી તમે જાે જાે હું એક દિવસ પોલીસ કે સેનામાં ઓફિસર બની બતાવીશ.’ દાદાજી તેનો જુસ્સો વધારતાં ‘જરૂર બેટા, પોલીસ અને સેનામાં બહાદુર લોકો જાય છે. જે ગમે તેવાં જાેખમો ઉઠાવતાં ડરતા નથી.’ પ્રિયંકા કહેતી દાદા.. હું પણ બહાદુર છું ત્યારે દાદાજી હસીને કહેતા, કેમ નહીં, મારી દીકરી તો સૌથી બહાદુર છે.. પણ તું જરા આમ ખસી જા.. નહીં તો તારી ઉપર ગરોળી પડશે.. આ સાંભળી પ્રિયંકા છટકીને દુર ભાગતી એ જાેઈને બધા હસી પડતા.
રપ જુલાઈ ર૦૦૩ના દિવસની આ વાત છે. પ્રિયંકા જ્યાં રહેતી હતી તે હરિયાણા રાજયના ગુજરીવાસ રેવાડી ગામમાં તે દિવસે ખુબ જ વરસાદ પડયો હતો.ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા. વેકેશન પછી સ્કુલ હવે ખુલી ગઈ હતી. ગામનાં બીજાં છોકરાઓની સાથે પ્રિયંકા ભણતાં હતાં. સ્કૂલેથી છુટતાં સ્કૂલની બસ બાળકોને મુકવા આવી. ગામની શેરીઓમાં પાણી ભરેલ હોવાથી બસવાળાએ બાળકોને ગામના મુખ્ય રસ્તા પર જ ઉતારી દીધાં અને બસ જતી રહી. બાળકો પોત પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. ઝરમર ઝરમર વરસાદ વરસવાનું ફરી શરૂ થયું હતું. છોકરાંઓ ઝડપથી પોતાના ઘર તરફ દોડયાં. તે બધાં એક સુંદર કેડી પરથી દોડતાં હતાં. બંને તરફ પાણી ભરેલાં હતાં. ચાર વર્ષની અંજલીનો પગ લપસ્યો અને તે ડગમગી ગઈ. તે પોતાની જાતને સંભાળે તે પહેલાં તેની પાછળ ઝડપથી આવતા પાંચ વર્ષના મોહીતને ધક્કો તેને પાછળથી વાગ્યો. પરિણામે નાનકડી કેડી પરથી પસાર થતાં હોઈ બેમાંથી એકપણ પોતાનું સંતુલન જાળવી શકયાં નહીં અને નીચે પાણી ભરેલા ખાડામાં જઈ પડયાં. તે ડુબવા લાગ્યાં. અચાનક આઠ વર્ષની પ્રિયંકાની નજર તેમના પર પડી. તે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તરત કુદકો મારી ખાડામાં કુદી પડી.
અંજલી અને મોહીત ગભરાઈ ગયાં હોવાથી ચીસો પાડતા હતા પણ પ્રિયંકાએ ધૈર્ય અને સાહસપૂર્વક પહેલાં અંજલી અને પછી મોહીતને એક એક કરીને સહી સલામત બહાર કાઢયા. ત્યાં સુધીમાં બુમાબુમ અને ચીસોના અવાજાે સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા. તેમણે અંજલી અને મોહીતને આશ્વાસન આપ્યું અને પ્રિયંકાના સાહસ તેમજ બહાદુરીનાં વખાણ કર્યા.દાદા ગીરધારીલાલને ખબર પડતાં એ દોડીને આવ્યાં. આવતાની સાથે જ પ્રિયંકાને તેડી લીધી અને ચુમીઓ ભરતાં છાતી સરસી ચાંપી દઈ શાબાશી આપતા કહેવા લાગ્યા. મારી દીકરી તું જરૂર પોલીસ કે સેનામાં જઈને મારૂં નામ ઉજળું કરીશ.. કહેતાં કહેતાં તેમની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં.એ ખુશીના આંસુ હતા. દાદાજી પાસે બહાદુરીની વાતો સાંભળતાં સાંભળતાં નાનકડી પ્રિયંકાએ આ જ ખુદ એક બહાદુરીની વાર્તા રચી દીધી હતી.
પ્રિયંકા હવે દાદાજીના ખોળામાં ચડીને કહેતી હતી, દાદાજી તમે કહેતા હતાને કે મુશ્કેલીમાં ફસાયેલાંની મદદ કરવી જાેઈએ. ગરીબ માણસોને સહાયતા કરવી જાેઈએ. બીજાના દુઃખ દર્દ જાેઈને પોતાના સમજવા જાેઈએ. જાે કોઈના જીવનનું જાેખમ હોય તો પોતાના જીવની પરવા કર્યા વિના તેનું રક્ષણ કરવું જાેઈએ. આપણે એવું કામ કરવું જાેઈએ જેનાથી દેશવાસીઓને આપણા પ્રત્યે ગર્વ થાય.
હા, બેટા એ વાત સાચી છે, અને આજે તેં એ જ કરી બતાવ્યું છે. તું ખરેખર ખુબ જ બહાદુર છે. અમને સૌને તારા પર ગર્વ છે.દાદાજીએ આંખો લુછતાં કહ્યું.
પ્રિયંકાની આ બહાદુરીની વાત દેશના પાટનગર સુધી પહોંચી ગઈ અને પ્રિયંકા હાથીની અંબાડી પર સવાર થઈ દેશના બીજા બાળકો સાથે રાજપથ પરથી પસાર થઈ એ જાેઈને દાદાજી ગીરધારીલાલની સાથે દેશવાસીઓની આંખો પણ છલકાઈ અને ગર્વથી સૌ તેની બહાદુરીને ધન્યવાદ દેવા લાગ્યાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.