ડરીને ભાગ્યો દીપડો : વાહ ! શિલ્પી શર્મા
‘અંશુલ જલદી ચાલ, નિશાળે જવાનું મોડું થાય છે, શિલ્પીએ નાના ભાઈને બુમ પાડી.
આવું છું દીદી.. આજ ઉઠવામાં જરા મોડું થયું છે ને, બસ બે મીનીટ..’ કહેતાં અંશુલ બાથરૂમમાંથી બહાર નીકળ્યો. થોડી મીનીટોમાં જ તૈયાર થઈને આવી ગયો અને બોલ્યોઃ‘ચાલ, દીદી..’
‘નાસ્તો નથી કરવો ?’ શિલ્પીએ પુછયું.
‘ના, દીદી હવે અત્યારે હું નાસ્તો નહીં કરૂં. સાત વાગવા આવ્યા છે ચાલો જલદી આમ પણ મોડું થઈ ગયું છે..’ કહેતાં કહેતાં અંશુલે પોતાની સ્કૂલ બેગ ઉપાડી અને બહાર નીકળ્યો..
‘ઉભો રે અંશુલ’ રસોડામાંથી બહાર નીકળતાં મમ્મીએ અંશુલને બોલાવ્યો, ‘લે આ નાસ્તાનો ડબ્બો બેગમાં મૂકી દે.’
અંશુલે જલદીથી પાછા ફરી મમ્મીના હાથમાંથી નાસ્તાનો ડબ્બો લઈ સ્કૂલબેગમાં મુકી દીધો પછી એ ઝડપથી આગળ વધ્યો.કેમ કે આ દરમિયાન શિલ્પી ઘણી આગળ નીકળીગઈ હતી.
‘દીદી ઉભી રહેને..’ અંશુલે પાછળથી પોતાની પીઠ પર બેગને સરખી કરતાં બુમ પાડી.
‘હવે હું ઉભી રહેવાની નથી. હું પાછળ પાછળ આવ..’ શિલ્પી ઝડપથી આગળ વધતાં બોલી.
આજે ખરેખર મોડું થઈ ગયું હતું. તેને ડર હતો કે, જા સ્કૂલમાં પ્રાર્થના શરૂ થઈ ગયા પછી પહોંચશે તો અલગ લાઈનમાં ઉભા રહેવું પડશે. જે તેને બિલકુલ ગમતું નહીં.તેથી તેઓ બંને ભાગતાં ભાગતાં સ્કૂલ તરફ જઈ રહ્યાહતાં.
હિમાચલપ્રદેશના વિલાસપુર જિલ્લાના પહાડી વિસ્તારમાં આવેલ બરાઉ નામે નાના ગામડામાં સ્કૂલ ન હતી. સ્કૂલ ત્યાંથી દૂર હતી. ત્યાં જવાનો રસ્તો ખતરનાક અને બેહદ મુશ્કેલીવાળો હતો. ઉબડ ખાબડ ડુંગરાળ રસ્તે કયાંક ઢાળ અને કયાંક ચઢાણ ચડવું પડતું હતું. તે પછી ઝરણાંને કિનારે-કિનારે આગળ વધતાં શિલ્પી અને અંશુલની સ્કૂલ હતી.
તે દિવસે શનિવાર હતો.શિલ્પી ઝડપથી સ્કૂલ તરફ આગળ વધતી હતી. અંશુલ તેની પાછળ હતો. બંને નાળું પસાર કરી જંગલના રસ્તે ચાલવા લાગ્યાં. અંશુલ હજુ પાછળ જ હતો. શિલ્પી ઉતાવળ અને ગુસ્સાને કારણે અંશુલ માટે ઉભી રહી નહીં. હા, તે વારંવાર પાછળ ફરીને આવે છે કે નહીં એ અવશ્ય જોતી હતી અને જલદી ચાલવા માટે કહેતી હતી.
સને ર૦૧ર ના ઓકટોબરની ર૭ તારીખ હતી. સામાન્ય ઠંડીમાં કપડાં અને સ્કૂલબેગના વજનને કારણે અંશુલ ઈચ્છતો હોવા છતાં શિલ્પીની સાથે સાથે ચાલી શકતો ન હતો.
જંગલના એ સુમસામ રસ્તે તે સમયે તે બંને સિવાય કોઈ ન હતું.
‘દીદી…દીદી..’ અચાનક અંશુલનો ડરભર્યો અવાજ શિલ્પીને કાને પડયો. એમ લાગ્યું કે જાણે અંશુલે ડરીને ચીસ પાડી હોય. શિલ્પીને અંશુલનો એવો અવાજ સાંભળતાં તેણે તરત પાછળ ફરીને જાયું પણ તેને અંશુલ કયાંય દેખાયો નહીં. પાછળ પગદંડી પર ઝાડી અને ઝાંખરાં સિવાય કંઈ નજરે પડતું ન હતું.
તેવામાં ફરી એકવાર અંશુલની દબાયેલી ચીસ શિલ્પીના કાને પડી તે એકદમ પાછળ ફરી ઝડપથી દોડી અને પાછળની તરફ આવી.ઝાડીના ઝુંડમાંથી દુર નજર પડતાં તેના મોંમાંથી ચીસ નીકળતાં માંડ અટકી ગઈ. ત્યાં એક દીપડો સામે મોં ફાડી ઘુરકાટ કરતો હતો અને અંશુલ તેના બંને પંજા વચ્ચે ઉંધો પડયો હતો. દીપડો તેના પંજા અને દાંત વડે અંશુલની પીઠ પર ભરાવેલ બેગને હટાવવાની કોશીશ કરતો હતો. શિલ્પીને ફકત અંગુલના બુટ દેખાયા બાકીનું આખું શરીર દિપડાની નીચે ઢંકાયેલું હતું.
શિલ્પીને એકદમ ગુસ્સો આવ્યો તેની નજર સામે તેના નાના ભાઈને કોઈ નુકશાન કઈ રીતે પહોંચાડી શકે ?
તે ડર્યા વગર એકદમ ભાગતી આગળ વધી અને દીપડાની નજીક પહોંચતાં તેણે પોતાની સ્કૂલ બેગ ગોળ ગોળ ફેરવીને પુરી તાકાતથી દીપડાના મોં પર મારી. દીપડાને તોઆ રીતે અચાનક હુમલો થવાની કોઈ આશંકા નહોતી. એકાએક માથા પર વાગતાં તે ગભરાઈ ગયો અને ડરનો માર્યો એકદમ બાજુની ઝાડીમાં ઘુસી ગયો. શિલ્પીએ એકદમ આગળ વધી અંશુલને ઉપાડયો. અંશુલ ખુબ ઘાયલ થયો હતો તેનાં કપડાં ફાટી ગયાં હતાં. દીપડાના પંજા અને દાંતના વારથી અંશુલના શરીર પર ઉંડા જખમો થયા હતા અને તેમાંથી લોહી નીકળતું હતું. પીઠ પર ભરાવેલી બેગમાં રાખેલી ચોપડીઓ અને તેના નાસ્તાના ડબ્બાને કારણે દીપડો તેનું ગળું દબાવી શકયો નહીં.
શિલ્પીએ જેમ તેમ કરી ખુબ મુશ્કેલીથી અંશુલને ઉભો કર્યો તેની આંખો હજુ ઝાડી તરફ મંડાયેલી
હતી. શિલ્પીને ડર હતો કે હજુ ગમે તે ક્ષણે દીપડો ઝાડીમાંથી હુમલો કરી શકે. તેણે અંશુલને પોતાની આગળ કર્યો ત્યાંથી લગભગ ર૦૦ મીટરની ઉંચાઈએ એક ઘર હતું તે વાત તે જાણતી હતી. શિલ્પી ઝડપથી ત્યાં પહોંચી જવા માગતી હતી ત્યાં પહોંચતાં સુધી હરપળ દીપડાના ફરીથી હુમલાનો ભય રહ્યો.
ઘરની નજીક પહોંચતાં શિલ્પીએ બહારથી બુમ પાડી, આંટી…આંટી..’
તે રઘવાટમાં બહાર નીકળી. જયારે તેણે બંને બાળકોની આવી હાલત જાઈ તો એ ગભરાઈ ગઈ. તરત તેણે પોતાની રીતે અંશુલની સારવાર ચાલુ કરી અને ફોન કરી તેના ઘેર જાણ કરી દીધી. અંશુલની ગંભીર હાલત જાઈને તેણે ૧૦૮ નંબર પર ફોન કરી ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને પણ જાણ કરી.
અંશુલ અને શિલ્પીના પપ્પા તો બહાર કયાંક નોકરી કરતા હતા તેથી તેઓ એ વખતે ઘેર ન હતા પરંતુ મમ્મી ગામલોકો સાથે માંડ ત્યાં પહોંચી. બધાએ મળીને અંશુલને ત્યાંથી નજીકના ઘુમારવી ગામના દવાખાને લઈ ગયા પરંતુ ત્યાંથી તેને વધુ સારવાર માટે જિલ્લાની વિલાસપુર હોસ્પટલમાં મોકલી અપાયો.
પાંચ દિવસ ત્યાં અને પછી એક મહિનો ઘેર રહી સારવાર કરાવ્યા બાદ અંશુલ તો સાજા થઈ ગયો
પરંતુ વિપરીત પરીસ્થતિમાં ધૈર્ય અને સાહસ સાથે શિલ્પીએ જે રીતે તેના ભાઈનો જીવ બચાવ્યો તેની ચર્ચા ચારે બાજુ ફેલાતાં વડાપ્રધાન દ્વારા અપાતા રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર માટે તેને પસંદ કરવામાં આવી.