ભુજના સસ્પેન્ડેડ પોલીસકર્મી ની સુરત ગ્રામ્ય ખાતે બદલી કરાઈ હતી
જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર; પાલનપુરમાં એક પોલીસ કર્મીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ બેડાંમાં ચકચાર મચી જવા પામી છે. ભુજના સસ્પેન્ડેડ પોલીસ કર્મીએ ઉપલા અધિકારીઓના માનસિક ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરતા મામલો ગરમાયો છે.
પાલનપુર હાઇવે પર આસોપાલવ સોસાયટીમાં રહેતો વિન્દલરાજ ચૌહાણ નામનો પોલીસકર્મી ભુજ ખાતે ફરજ બજાવતો હતો. જોકે, ભુજ ખાતે તેના પર પ્રોહીબિશન નો કેસ થતા તેની સુરત ગ્રામ્યમાં બદલી કરાઈ હતી. દરમિયાન, સુરત ગ્રામ્યમાં હાજર થઈ રજા પર ઘરે આવેલા પોલીસકર્મીએ પાલનપુર ખાતેના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જોકે, પરિવારજનોના આક્ષેપો મુજબ ઉપલા અધિકારીઓના માનસિક ત્રાસથી પોલીસ કર્મીએ આપઘાત કર્યો હોઇ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ મૃતકના પિતા રમેશભાઈ ચૌહાણએ કરી હતી.
મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં ભુજ એસ.પી. વિકાસ સુંડા અને નલિયા પી.આઈ. બી.પી. ખરાડી સહિતના અધિકારીઓના માનસિક ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવેલ છે. ત્યારે મૃતકના પરિવારજનોએ જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા મામલો ગરમાયો છે.
સુસાઇડ નોટને આધારે ફરિયાદ નોંધવાની માંગ; મૃતક પોલીસકર્મી પાસેથી મળેલી સુસાઇડ નોટમાં એસ.પી.વિકાસ સુંડા અને પી.આઈ.બી.પી.ખરાડી ના પ્રેશરથી અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેથી મૃતકના પરિવારજનો તથા મુકેશ ચૌહાણ સહિતના સમાજના અગ્રણીઓએ સુસાઇડ નોટના આધારે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે મૃતદેહ ન સ્વીકારતા પોલીસે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે, હજી સુધી મડાગાંઠ ઉકેલાઈ ન હોવાના અહેવાલ સાંપડ્યા છે.
પોલીસે એડી દાખલ કરી છે:-એ.એસ.પી.બનાસકાંઠા પોલીસના એ.એસ.પી.સુબોધ માનકરે જણાવ્યું હતું કે, એપ્રિલ માસમાં ભચાઉ ખાતે વી.આઈ.પી. બંદોબસ્ત ટાણે મૃતક પોલસકર્મી નશાની હાલતમાં ગાડીમાં બેઠેલો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેથી તેઓની બદલી કરાઈ હતી. કોઈ પણ એક્સિડેન્ટલ ડેથમાં પ્રથમ એડી દાખલ કરવામાં આવે છે. જેની તપાસ બાદ જરૂરી પુરાવા મળેથી એફ.આર.આઈ. કરાય છે. જેથી મૃતકના આપઘાત અંગે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હોવાનું એ.એસ.પી. સુબોધ માનકરે જણાવ્યું હતું.