નગરપાલિકામાં વાડે જ ચીભડા ગળ્યા હોય એવો ઘાટ ઘડાયો; બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ભાજપ શાસિત નગરપાલિકાના કોર્પોરેટર અને દબાણ સમિતિના ચેરમેન દ્વારા બિન અધિકૃત રીતે દબાણ કરવામાં આવ્યું હોવાના સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે.આ દબાણો દૂર કરવા મામલે અરજદાર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠા કલેક્ટર, ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્ર કોર્પોરેટર દ્વારા બિનઅધિકૃત રીતે કરેલ દબાણ દૂર કરવામાં ઢીલી નીતિ અપનાવી રહી છે.
પાલનપુર નગર પાલિકાના વોર્ડ નંબર 2 ના વાલ્મીકિપુરા વિસ્તારમાં આવેલ માર્ગ નવો બનાવવા માટે 1 કરોડથી વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જોકે ડીપી રોડથી શિવનગર સોસાયટી અંબાજીને જોડતા મુખ્ય માર્ગની બંને બાજુએ વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર નરેશ રાણા જે દબાણ સમિતિના ચેરમેન છે તેમના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. આ જાહેર માર્ગ ઉપર દબાણ કરવામાં આવતાં આ માર્ગ સાંકડો બન્યો છે. જ્યાં જાહેર માર્ગની બંને બાજુએ અસામાજિક પ્રવૃતિ ચાલતી હોવાના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.શિવનગરની મહિલાઓને જાહેર માર્ગ પર ચાલવુ મુશ્કેલ બન્યું છે.
જાહેર માર્ગની બંને બાજુએ અસામાજિક પ્રવુતિ ચાલતી હોવાના કારણે મહિલાઓને હેરાનગતિ થતી હોવાના સ્થાનિકો આક્ષેપો કરી રહ્યાં છે.જ્યાં શિવનગર સોસાયટીના જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ નગરપાલિકાના સત્તાધીશોને ઊંઘ ઊડતી નથી. જાહેર માર્ગ 90 ફૂટ પહોળો છે. કોર્પોરેટરની રહેમ નજર હેઠળ દબાણ કરવામાં આવ્યા છે. એક બાજુ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીનું બુલડોઝર અસામાજિક તત્વોના મકાનો ઉપર ફરી રહ્યું છે. અને બીજી બાજુ રાજ્યના ગૃહ મંત્રી પણ દબાણને લઈને કડક કાર્યવાહી કરી રહ્યા છે. પરંતુ તેમના જ રાજમાં તેમના જ નેતાઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે.પરંતુ દબાણો તોડવામાં તંત્ર દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહ્યા હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે. આ બાબતની રજૂઆત મુખ્યમંત્રીથી લઈને બનાસકાંઠા જિલ્લા કલેકટર, સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડાને કરવામાં આવી છે.પરંતુ હજુ સુધી તેમના દબાણ દૂર કરવામાં આવ્યા નથી. અને હાલમાં ડીપી રોડથી શિવનગર સુધી એક કરોડથી વધુ રકમના ખર્ચે આ જાહેર માર્ગ નવીન બની રહ્યો છે. પરંતુ આ નવીન જાહેર માર્ગ બને તે પહેલા દબાણ દૂર કરી રોડ બનાવવા લોકો માંગ કરી રહ્યા છે.