ડીસા સહિત જિલ્લામાં ખેતી લાયક જમીનનું સતત ધોવાણ
ગામડા ખાલી પણ વધતા જતા શહેરીકરણમાં રોજગારીમાં ઘટાડો; ડીસા સહિત જિલ્લામાં આડેધડ થઈ રહેલા શહેરીકરણ અને કોંક્રિટના જંગલોના નિર્માણને કારણે ખેતીલાયક જમીનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તાર હોવાથી મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે, પરંતુ ઉપજાઉ અને કિંમતી જમીનોને બિનખેતી બતાવી કોમર્શિયલ ઉપયોગમાં લેવાનો કારસો ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.
વધતા જતા શહેરીકરણના પ્રભાવ હેઠળ, ખેડૂતો પોતાની જમીન વેચીને શહેર તરફ હિજરત કરી રહ્યા છે. સંયુક્ત પરિવારો વિભક્ત થતાં જમીનના નાના ટુકડા થઈ રહ્યા છે, જેના કારણે એક પરિવાર માટે તે જમીન પર ખેતી કરીને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. પરિણામે, ઘણા ખેડૂતો પોતાની જમીન વેચીને ગામમાં ખેતમજૂરી કરવા મજબૂર બન્યા છે, અથવા તો નોકરી મેળવી શહેરમાં સ્થિર થવા માટે ગામ છોડી રહ્યા છે. આ સ્થિતિ ગામડાઓને ખાલી કરી રહી છે અને શહેરોને મોટા કરી રહી છે, પરંતુ વધતા જતા શહેરીકરણની સાથે રોજગારી વધી નથી પણ તેની સાથે બેકારી વધી રહી છે.જે સાચે જ ચિંતાનો વિષય છે.જેને લઈ જિલ્લાના ભવિષ્ય સામે ગંભીર પ્રશ્નાર્થ મંડરાયો છે.
ખેતીની જમીનના વેચાણનો ગ્રાફ ઊંચકાયો; એક સમયે હરિયાળો કહી શકાતો બનાસકાંઠા હવે પાણીના તળ ઊંડા જવાથી સૂકો ભઠ્ઠ લાગી રહ્યો છે, જેના કારણે ખેતી કરવી પણ દુષ્કર બની ગઈ છે. જોકે, મોટાભાગના ખેડૂતો પશુપાલન થકી પગભર થયા છે, પરંતુ હવે પશુપાલનના વ્યવસાય માટે પણ જરૂરી પાણી મળતું નથી. પરિણામે, શહેરની નજીક આવેલી ખેતીની જમીનો મોટા પાયે વેચાઈ રહી છે.
ખેતીની જમીનમાં સતત ઘટાડો; ઉપજાઉ અને ખેતી લાયક જમીનને પણ “નોન-એગ્રીકલ્ચર” (એન.એ.) બતાવી કોમર્શિયલ ઝોનમાં ફેરવવામાં આવી રહી છે. આનાથી ખેતીની જમીન સતત ઘટી રહી છે અને આડેધડ કોંક્રિટના જંગલો ઊભા થઈ રહ્યા છે.જો આ સિલસિલો ચાલુ રહ્યો, તો આગામી સમયમાં પાણીની અછતનો સામનો કરી રહેલો આ જિલ્લો રણ વિસ્તારમાં ફેરવાઈ જાય તો નવાઈ નહીં.

