પાલનપુરમાં રેલી યોજી કલેકટરને આવેદનપત્ર; વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના બહિષ્કારની ચીમકી

પાલનપુરમાં રેલી યોજી કલેકટરને આવેદનપત્ર; વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના બહિષ્કારની ચીમકી

જાતિના દાખલા ન મળતા છાત્રો અને નોકરી મેળવનાર યુવકોનું ભાવિ અંધકારમય; આદિવાસી સમુદાયને જાતિના દાખલા કઢાવવામાં અનેક મુશ્કેલી ઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેની સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા આજે પાલનપુર ખાતે આદિવાસી સમાજે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી.

એકબાજુ સરકાર આદિવાસીઓ ના વિકાસના નામે વાહવાહી લૂંટી રહી છે. ત્યારે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાનો આદિવાસી સમાજ જાતિના દાખલા કઢાવવા માટે ઝઝૂમી રહ્યો છે. સરકાર દ્વારા જાતિના દાખલા માટે 1950 પહેલાના પુરાવા માંગવામાં આવી રહ્યા છે. ભોળો અને અશિક્ષિત આદિવાસી સમુદાય 1950 પૂર્વેના પુરાવા રજૂ ન કરી શકતા તેઓને જાતિના દાખલા મળતા નથી. જેથી વિધાર્થીઓ અને સરકારી નોકરી મેળવનાર આદિવાસી યુવાનોનું ભાવિ ધૂંધળું બન્યું છે.

ત્યારે આજે અમીરગઢ-દાંતા અને પાલનપુર તાલુકાનો આદિવાસી સમાજ એકત્ર થયો હતો. જેઓએ પાલનપુર ખાતે રેલી યોજી કલેકટર કચેરીએ પહોચી આવેદનપત્ર આપ્યું હતું. આદિવાસી સમુદાયના જાતિના દાખલા માટેની અરજીઓ જે-તે તાલુકા મથકોની કચેરીઓમાં પુરવાઓને અભાવે પેન્ડિંગ પડી છે. જેને લઈને વિદ્યાર્થીઓ અને નોકરી મેળવનાર યુવકોનું ભાવિ અંધકારમય બનતા આદિવાસી સમાજ લાલઘૂમ બન્યો હોવાનું સતિષભાઈ ધ્રાંગીએ જણાવ્યું હતું.

વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના બહિષ્કારની ચીમકી; દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ આદિવાસી સમુદાયને જાતિના દાખલા મેળવવામાં થતી ખોટી હેરાનગતિ બંધ કરવાની માંગ કરી હતી. જો સરકાર આદિવાસીઓની ખોટી કનડગત બંધ નહિ કરે તો આદિવાસી સમુદાય સરકારને 9 મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નહિ કરવા દે તેવી ચીમકી ઉચ્ચારતા તેઓએ આદિવાસીઓના નામે ખોટેખોટી વાહવાહી લૂંટતી સરકાર સામે રોષ ઠાલવતા 9મી ઓગસ્ટની વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *