રાજસ્થાનના કૃષિ મંત્રી કિરોડી લાલ મીણાએ રવિવારે ફરી એકવાર પોતાના દાવાને પુનરાવર્તિત કર્યો કે તેમનો ફોન હજુ પણ ટેપ થઈ રહ્યો છે અને ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા તેમનું ફોલોઅર્સ કરવામાં આવી રહ્યા છે.
“હું હજુ પણ કહી રહ્યો છું કે મારો ફોન ટેપ થઈ રહ્યો છે, અને CID મને ફોલો કરી રહી છે,” તેમણે રાજસ્થાનના સાંચોરમાં એક કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું.
આ દાવો ગૃહ રાજ્યમંત્રી (MoS) જવાહર સિંહ બેધમે રાજસ્થાન વિધાનસભામાં ફોન ટેપિંગના આરોપોને નકારી કાઢ્યાના થોડા દિવસો પછી આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે મીણાનો ફોન ટેપ થયો નથી.
“મને (પક્ષ તરફથી) નોટિસ મળી હતી. મેં તેમને કહ્યું હતું કે જ્યારે હું ભૂતકાળમાં વિરોધ કરતો હતો, ત્યારે પાછલી સરકાર દરમિયાન અધિકારીઓ મારા પર નજર રાખતા હતા. તેઓ ટ્રેક કરતા હતા કે હું ક્યાં જાઉં છું, હું શું કરી રહ્યો છું અને હું કયા આંદોલનમાં ભાગ લઈ રહ્યો છું. તેઓ મારા ફોન ટેપ કરતા હતા. મેં હંમેશા કહ્યું છે કે મારો ફોન ટેપ થઈ રહ્યો છે અને CID મને ફોલો કરી રહી છે, તેવું મીણાએ કહ્યું હતું.
“એ જ અધિકારીઓ હજુ પણ પોતાના હોદ્દા પર છે. જે લોકો મારા ફોન ટેપ કરતા હતા અને મને ફોલો કરતા હતા તેઓ હજુ પણ ત્યાં જ છે. મેં ક્યારેય તેના પર ધ્યાન આપ્યું ન હતું પરંતુ હવે તે બંધ થવું જોઈએ, તેવું તેમણે ઉમેર્યું હતું.
ભાજપના દિગ્ગજ નેતાએ અગાઉ પોતાની સરકાર પર ફોન ટેપ કરવાનો અને તેમની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજકારણીએ દાવો કર્યો હતો કે રાજ્યની CID તેમના પર નજર રાખી રહી હોવા છતાં, તેઓ ડરતા નહોતા કારણ કે તેમની પાસે છુપાવવા માટે કંઈ નથી. ત્યારબાદ પાર્ટી દ્વારા તેમને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી હતી. રવિવારે મીણાએ પુનરોચ્ચાર કર્યો કે “મારો ફોન હજુ પણ ટેપ થઈ રહ્યો છે” અને “CID હજુ પણ મને ફોલો કરી રહી છે”.
“હા, મેં ભૂલ કરી હતી. મારે ભારતીય જનતા પાર્ટીના યોગ્ય મંચ પર આ મુદ્દો ઉઠાવવો જોઈતો હતો, પરંતુ ક્યારેક પરિસ્થિતિ ગૂંચવાઈ જાય છે. તેથી, મેં વાત કરી, તેવું તેમણે કહ્યું હતું.
ફોન ટેપિંગના મીણાના નવા આરોપનો જવાબ આપતા, ભાજપના પ્રવક્તા લક્ષ્મીકાંત ભારદ્વાજે કહ્યું કે સરકારે વિધાનસભામાં પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે કિરોડી મીણા સહિત કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન ટેપ થઈ રહ્યો નથી.