સમશેરપુરા – અમરપુરા માર્ગ પર વરસાદી પાણીની આફત

સમશેરપુરા – અમરપુરા માર્ગ પર વરસાદી પાણીની આફત

15 વર્ષથી ઉકેલ વિનાની સમસ્યા, વિદ્યાર્થીઓ ટ્રેક્ટરમાં શાળાએ જવા મજબૂર

ડીસા તાલુકાના સમશેરપુરા-અમરપુરા માર્ગ પર છેલ્લા 15 વર્ષથી ચોમાસામાં ભરાતા કમરસમા પાણીની સમસ્યાથી ગ્રામજનો ત્રાસી ગયા છે. 2010 થી સતત રજૂઆતો કરવા છતાં, તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ કાયમી ઉકેલ ન આવતા, ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે, જો તાત્કાલિક ઉકેલ નહિ આવે તો ગ્રામજનોએ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે​.

સમશેરપુરા અને અમરપુરા પરાને જોડતો આશરે 2 કિલોમીટરનો આ માર્ગ વરસાદના થોડા જ છાંટા પડતા નજીકના તળાવના પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે રસ્તો જળબંબાકાર બની જાય છે. 500 થી વધુ વસ્તી ધરાવતા આ ગામના લોકો માટે આ રસ્તો જીવાદોરી સમાન છે, પરંતુ ચોમાસામાં તે મુશ્કેલીઓનું કારણ બની જાય છે. ગામના 50 થી વધુ બાળકોને છાતી સુધીના પાણીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે. આ કારણે અનેકવાર તેઓ આઠ-આઠ દિવસ સુધી શાળાએ જઈ શકતા નથી, જેનાથી તેમનું શિક્ષણ બગડી રહ્યું છે. તંત્રની બેદરકારીને કારણે આજે પણ વિદ્યાર્થીઓ ટ્રેક્ટરમાં બેસીને શાળાએ જવા મજબૂર છે.

​ખેડૂતો અને ગ્રામજનોને હાલાકી

સવારે અને સાંજે દૂધ ભરાવવા જતા ખેડૂતો અને અન્ય ગ્રામજનોને પણ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ડિલિવરી જેવા કટોકટીના સમયે આ માર્ગ પરથી પસાર થવું અત્યંત જોખમી બની જાય છે.

અમારા છોકરાઓનું ભવિષ્ય બગડી રહ્યું છે : ગ્રામજનોનો આક્રોશ

સ્થાનિક હેદુજી ઠાકોરના જણાવ્યા મુજબ, “અમે સરકારને અનેક પત્રો લખ્યા છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી.” અમરપુરાના રમેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, “અમારા છોકરાઓ શાળાએ જઈ શકતા નથી અને તેમનો અભ્યાસ બગડી રહ્યો છે. 2010 થી અમે રજૂઆતો કરી રહ્યા છીએ, પણ પરિણામ શૂન્ય છે.”

​ભૂખ હડતાલની ચીમકી : તંત્ર ક્યારે જાગશે ?​

ગ્રામજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ રસ્તા પર ભરાતા પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવે. જો આ સમસ્યાનો ઝડપી નિકાલ નહીં આવે, તો તેઓ ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે. આ ઘટના તંત્રની બેદરકારી અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ક્રિયતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. શું તંત્ર ગ્રામજનોની આ માગને સાંભળશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે ? તેમ ગામલોકોએ જણાવી રોષ વ્યકત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *