જાગૃત નાગરિકની અરજીથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી; ડીસામાં ઉનાળાની શરૂઆત થતા જ ઠંડા પીણાં અને પેપ્સીની ફેક્ટરીઓ ધમધમવા લાગી છે. ત્યારે જાગૃત નાગરિકની ફરિયાદને પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાં આવેલ રજવાડી ગૃહ ઉદ્યોગ નામની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા.જાગૃત નાગરિકે સ્વચ્છતા, એક્સપાયરી ડેટ અને હલકી ગુણવત્તાવાળી પેપ્સી અને ઠંડાપીણાં બનતા હોવાનો આક્ષેપ કર્યો હતો.જેને પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રજવાડી લેમન, રજવાડી જીરા મસાલા અને રજવાડી મેંગો નામના 4 ઠંડા પીણાંના નમૂના લીધા હતા.આ નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડીસાના જાગૃત નાગરિકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં અરજી કરી હતી.તેમણે રજવાડી ગૃહ ઉદ્યોગમાં બનતા પીણાંની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરી હતી. તેમની અરજીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેમ્પલના પરિણામો આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.