વર્ષ 2012 માં ડાર્કઝોન ઉઠ્યા બાદ વીજ તંત્ર દ્વારા ખેડૂતોને 1.14 લાખ વીજ કનેશન અપાયા
જિલ્લાભરમાં 58,600 મીટર વિનાના બોરવેલના વીજ કનેકશનો પણ હયાત
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો સિંચાઇના પાણીની સુવિધા માટે બોરવેલનો માર્ગ અપનાવી રહ્યા છે .જેને લઇ વીજ કચેરીઓમાં બોરવેલ માટે વીજ જોડાણની અરજીઓ અને કનેકશનોમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે જિલ્લામા વર્ષ 2012 માં ડાર્ક ઝોન ઉઠ્યા બાદ અત્યાર સુધીમાં ખેડૂતોને ખેતી માટે નવા 1.14 લાખ ઉપરાંતના મીટર વાળા વીજ જોડાણ આપવામાં આવ્યા હોવાનું વિજ વિભાગે જણાવ્યું છે.
ખેતી અને પશુ પાલન ઉપર નિર્ભર બનાસકાંઠા જિલ્લામા ખેડૂતો સિંચાઇના પાણી માટે વરસાદી પાણી, કેનાલ,તળાવ,ચેકડેમ તેમજ બોરવેલના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે જિલ્લામા વર્ષો અગાઉ ભૂગર્ભ જળ સ્તર ઉંડા જતા રહેતા સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઇની સુવિધા માટે વીજ મીટર આપવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. જેને લઇ ખેડૂતો ચોમાસુ વાવેતર તેમજ કેનાલના પાણી પર નિર્ભર બન્યા હતા.
જેથી ખેતીની ઉપજ ઓછી થવાને લઇ ખેડૂતો આર્થિક પાયમાલ થતા સિંચાઇના પાણી માટે વીજ મીટર પર લગાવેલ ડાર્ક ઝોન ઉઠાવી લેવા ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવતા આખરે સરકાર દ્વારા વર્ષ 2012 માં ડાર્ક ઝોન ઉઠાવીને ખેડૂતોને સિંચાઇની સુવિધા માટે વીજ કનેકશનો આપવાનું શરૂ કર્યું હતું ત્યારથી આજ સુધી જિલ્લામાં છ ડિવિઝન દ્વારા ખેડૂતોને 1.14.025 વીજ જોડાણના મીટર આપવામાં આવ્યા છે. જેથી મોટા ભાગના ખેડૂતો બોરવેલના સહારે ખેતી કરી ઉપજ મેળવતા થયા છે જોકે વીજ તંત્ર દ્વારા ખેડૂતોને વાર્ષીય ઉચ્ચક બિલથી મીટર વિનાના વીજ જોડાણ આપવામાં આવે છે તેવા મીટર વિનાના 58600 વીજ કનેક્શન દ્વારા પણ ખેડૂતો સિંચાઇનું પાણી મેળવી રહ્યા છે.
જિલ્લામાં ખેતરોના શેઢે શેઢે બોરવેલ: રણ ધરાવતા જિલ્લામાં વરસાદ અપૂરતો પડે છે. તેથી ભૂગર્ભ જળમાં ધરખમ ઘટાડો થયો છે. તેમાં પણ જિલ્લાના અનેક તાલુકા હજી સુધી નર્મદાના નિરથી વંચિત છે તેથી મોટાભાગના ખેડૂતો ખેતી માટે બોરવેલ ઉપર નિર્ભર છે. તેમાં પણ બોરવેલનું પાણી ઘણા ખેતરો સુધી પહોંચી શકતું નથી.તેથી બોરવેલનું પ્રમાણ વધતું જાય છે. જેના કારણે હાલમાં ખેતરોના શેઢે શેઢે બોરવેલ જોવા મળી રહ્યા છે.