ડીસાના આસેડામાં રબારી સમાજના મહાસંમેલન અંગે બેઠક
સામાજિક બંધારણ મહાસંમેલન બેઠકમાં 30 થી વધુ ગામના આગેવાનો જોડાયા
રબારી સમાજ સામાજિક બંધારણ મહાસંમેલન અંતર્ગત રબારી સમાજના 30 થી વધુ ગામના આગેવાનો અને યુવાનોની બેઠક શનિવારે ડીસા તાલુકાના આસેડા ગામે મળી હતી. જેમાં વર્ષો જુના કુરીવાજોને નાબુદ કરી નવા બંધારણ થકી સમાજને સંગઠિત અને શિક્ષણ તરફ વાળવા માટે નેમ વ્યક્ત કરવામાં આવી હતી.
રબારી સમાજના બન્ને મોભી આગેવાન, ભામાશા ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ડૉ.સંજય દેસાઈ, સંસ્થાના પ્રમુખ રેવાભાઈ દેસાઈ, ડી.કે.દેસાઈ, નરસિંહભાઈ દેસાઈ સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં સામાજિક બંધારણ અંગે બેઠક યોજાઈ હતી. જેમાં રબારી સમાજમાં સામાજિક પ્રસંગોમાં થતાં ખોટા ખર્ચાઓ ઉપર કાપ મુકીને સમાજ સુધારણા તેમજ સમાજના દિકરા- દિકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે તે માટેના પ્રયાસો હાથ ધરવા અપિલ કરવામાં આવી હતી.
કુરીવાજો ને નેસ્ત નાબુદ કરાશે: ધારાસભ્ય
રબારી સમાજમાં દિવસે દિવસે કુરીવાજોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રબારી સમાજને કુરીવાજમાંથી બહાર લાવી ખોટા ખર્ચા થતાં સમાજમાંથી કુરીવાજોને તિલાંજલી આપી કુરીવાજોને નેસ્ત નાબુદ કરવામાં આવશે તેમ ધારાસભ્ય માવજી દેસાઈએ જણાવ્યું હતું.

