બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને દેશભરના હિંદુ સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે આજે પાલનપુર ખાતે હિંદુ સમાજે રેલી યોજી અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં હિંદુ સમાજ પર થઇ રહેલો અત્યાચાર બંધ કરાવવાની માંગ કરી હતી.
બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયા બાદ કટ્ટરવાદીઓ દ્વારા સતત હિંદુઓને અને હિંદુઓના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંદુઓ પર થઈ રહેલા અમાનવીય અત્યાચારને લઈને દેશનો હિંદુ સમાજ હચમચી ઉઠ્યો છે. ત્યારે આજે પાલનપુર ખાતે હિંદુઓ પરના અત્યાચારને લઈને હિંદુ સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હિંદુ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ વિવિધ હિંદુ સંગઠનોએ અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
હિંદુઓએ આવેદનપત્રમાં ભારત સરકારને દરમિયાનગીરી કરી બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર રોકવાની સાથે ઇસ્કોન મંદિરના સ્વામી ચિન્મય કૃષ્ણદાસ જીને મુક્ત કરવાની માંગ કરી હતી. આ પ્રસંગે ઇસ્કોન મંદિર સેમોદ્રાના કૃષ્ણમેદોદાસજી, શ્રી વિજય હનુમાન સંન્યાસ આશ્રમના મહંત, રામજી મંદિરના મહંત રાઘવદાસજી, વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા પ્રમુખ દિલસુખ ભાઈ અગ્રવાલ, મુન્નાભાઈ મોદી, ચંદ્રેશભાઈ ઠાકર, ગજાનનભાઈ જોશી, દિનેશભાઇ રાવલ સહિત ના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.