થરાદ પોલીસે સ્પાના માલિક અને મેનેજર સહિત ત્રણ સામે નોંધી ફરિયાદ: થરાદ ચાર રસ્તા પાસે આવેલ બોમ્બે માર્કેટમાં ચેમ્પિયન સ્પા સેન્ટરમાં પોલીસે ગુરુવારે દરોડો પાડતા કુટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસે ડમી ગ્રાહક મોકલી દેહ વ્યાપાર કરતાં સ્પા મેનેજર સહિત બે શખસોને પકડી પાડ્યાં હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
થરાદમાં ચાલતા સ્પાની આડમાં ગોરખધંધો ચાલી રહ્યો છે. જેને લઇ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષક વૈદિકા બિહાની, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ.ચાવડા તથા પોલીસ સ્ટાફ સાથે ગુરુવારે થરાદના ચાર રસ્તા પાસે આવેલ બોમ્બે માર્કેટમાં બીજા માળે ચેમ્પિયન સ્પામાં ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી. જેમાં સ્પામાં બહારથી ભાડેથી આંતર રાજયની યુવતીઓ બોલાવી અને તેઓને પૈસાનું પ્રલોભન આપી સ્પાના ઓથા હેઠળ પોતાના આર્થિક લાભ સારૂ દેહવિક્રયની પ્રવૃત્તિ ચલાવતા સ્પાના મેનેજર ઝડપાયા હતા. તેમજ સ્પાના માલિક રેડ દરમિયાન હાજર ન મળી આવતાં રોકડ રકમ, મોબાઇલ ફોન તથા અન્ય ચીજવસ્તુ મળી રૂ.26200 ના મુદ્દામાલ સાથે તેઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.