નાના એન્જિનની ક્ષમતાવાળા વાહનોને ટેક્સમાં રાહત: નાની અને મધ્યમ કદની કાર પર ૧૮% જીએસટી લાગુ થઈ શકે છે: જ્યારે એસયુવી અને લક્ઝરી કાર પર હાલનો ૨૮% જીએસટી દર યથાવત રહેવાની શક્યતા
ભારત સરકાર જીએસટીના માળખામાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે, જેમાં તમાકુ અને પાન મસાલા જેવા ‘સિન ગુડ્સ’ પર ૪૦ % જીએસટી લાદવાનો પ્રસ્તાવ છે.આ નવી વ્યવસ્થામાં મુખ્ય બે દરો ” ૫ % અને ૧૮ % ” રાખવામાં આવશે, જ્યારે ” ૧૨% અને ૨૮ % સ્લેબ”ને દૂર કરીને મોટા ભાગની વસ્તુઓને ઓછા દરમાં સમાવી લેવામાં આવશે. આનાથી સામાન્ય વપરાશની વસ્તુઓ સસ્તી થશે, પરંતુ તમાકુ પર કુલ કરનો ભાર ૪૦ % સુધી પહોંચી શકે છે.દરમિયાન ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ઓટોમોબાઈલ પર જીએસટી ગણતરીનું સૂત્ર બદલાઈ શકે, વાહનના એન્જિનની ક્ષમતા આધારિત નવી ફોર્મ્યુલા આવી શકે છે.
સરકાર ઓટોમોબાઈલ્સ પર લાગુ થતા જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ની ગણતરી માટેના ફોર્મ્યુલામાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. હવે વાહનના પ્રકારને બદલે એન્જિનની ક્ષમતાના આધારે જીએસટી નક્કી કરવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર, નાની અને મધ્યમ કદની કાર પર ૧૮% જીએસટી લાગુ થઈ શકે છે, જ્યારે એસયુવી અને લક્ઝરી કાર પર હાલનો ૨૮% જીએસટી દર યથાવત રહેવાની શક્યતા છે. આ ફેરફારથી ઓટોમોબાઈલ ઉદ્યોગમાં કિંમતો અને માંગ પર અસર પડી શકે છે.

