અમદાવાદથી ઉત્તર પ્રદેશના અલ્હાબાદ તરફ મૃતદેહ લઈ જતી એક ખાનગી એમ્બ્યુલન્સ દલપુર ગામ નજીક અકસ્માતનો ભોગ બની છે. શનિવારે સાંજે 4 વાગ્યે અમદાવાદથી નીકળેલી એમ્બ્યુલન્સ અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 49 પર દલપુર ગામ પાસેના ઓવરબ્રિજ પર પહોંચી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
એમ્બ્યુલન્સ ઓવરબ્રિજના ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર યુપીના 7 પરિવારજનોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તમામ ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.