વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ બદલાયો : 24 ની બદલે 25 મી એ સાંજે અમદાવાદ પહોંચશે

વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ બદલાયો : 24 ની બદલે 25 મી એ સાંજે અમદાવાદ પહોંચશે

બે દિવસના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નિકોલ ખાતે જાહેરસભા સંબોધશે. અને માંડલ-બેચરાજીમાં સુઝુકીના ઇલેક્ટ્રિક વાહન પ્લાન્ટનું લોકાર્પણ કરશે : 26મીએ હાંસલપુરના કાર્યક્રમ બાદ વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી નવી દિલ્હી પરત ફરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ બદલાયો છે. તેઓ હવે 24મીને બદલે 25મી ઓગસ્ટના રોજ સાંજે લગભગ પાંચ વાગ્યે અમદાવાદ પહોંચશે. તેમના આગમન બાદ, તેઓ સાંજે 6 થી 7 વાગ્યાની વચ્ચે નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે એકમાત્ર જાહેરસભાને સંબોધશે. આ સભામાં, વડાપ્રધાન કુલ ₹2,979 કરોડના 22 પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ₹2,801 કરોડના 13 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આમાં અમદાવાદના ₹3,125 કરોડના 18 પ્રોજેક્ટ્સ અને ગાંધીનગરના ₹555 કરોડના 10 પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

નિકોલ ખાતે ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત થનારા મુખ્ય પ્રોજેક્ટ્સમાં ઔડાના બે મોટા રોડ પ્રોજેક્ટ્સ સામેલ છે. જેમાં હાલના એસપી રિંગ રોડને ચાર લેનમાંથી છ લેન બનાવવાની યોજના છે, જેનો અંદાજિત ખર્ચ ₹1,624 કરોડ છે. આ ઉપરાંત, ₹608 કરોડનો ઊર્જા પ્રોજેક્ટ અને ગાંધીનગરમાં ₹2,178 કરોડનો ઊર્જા પ્રોજેક્ટ પણ ખુલ્લો મુકાશે. ₹100 કરોડથી વધુના અન્ય પ્રોજેક્ટ્સમાં રામાપીરના ટેકરા ખાતે ₹133 કરોડના ખર્ચે તૈયાર થયેલા પીએમ આવાસ, ₹110 કરોડની પ્રસ્તાવિત સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ અને લો-ગાર્ડન-સીજી રોડ પર ₹100 કરોડના ખર્ચે થનારા આધુનિક વિકાસની યોજનાઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાન રાત્રિ રોકાણ ગાંધીનગરના રાજભવનમાં કરશે.

માંડલ-બેચરાજી અને મહેસાણાના વિકાસ પ્રોજેક્ટ્સ

પ્રવાસના બીજા દિવસે, 26મી ઓગસ્ટે સવારે લગભગ દસ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ, માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજનમાં આવેલા હાંસલપુર પહોંચશે. અહીં તેઓ સુઝુકી મોટર્સ કોર્પોરેશનના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટમાં ₹7,300 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક વાહનો માટેની બેટરીનું ઉત્પાદન થશે અને ₹3,100 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિક વાહનોની ઉત્પાદન સુવિધા પણ શરૂ કરાશે. આ ઉપરાંત, મહેસાણા રેલવે તંત્રના ₹1,797 કરોડના 9 પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાન મોદી, મહેસાણા જિલ્લાને સ્પર્શતી બે ટ્રેનોને લીલીઝંડી આપશે: સાબરમતીથી કટોસણ રોડ ટ્રેન અને બેચરાજીથી મારુતિકાર માટેની ફ્રેઇટ ટ્રેન.

પ્રવાસના અંતિમ ચરણમાં, 25મી ઓગસ્ટની રાત્રે આઠ વાગ્યે રાજભવન, ગાંધીનગરમાં કાર્યક્રમો પૂર્ણ થયા બાદ, વડાપ્રધાન મોદી, મંત્રીમંડળમાં સૂચિત ફેરબદલ અને નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકના સંદર્ભમાં પ્રદેશના આગેવાનો સાથે પરામર્શ કરી તેમના વિચારો જાણશે તેવી શક્યતા છે. બીજા દિવસે, 26મીએ હાંસલપુરના કાર્યક્રમ બાદ, વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી નવી દિલ્હી પરત ફરવા રવાના થશે, તેમ હાલ જાણવા મળી રહ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *