ભોપાલથી દેશને નવી દિશા : અહિલ્યાબાઈ હોળકરને શ્રદ્ધાંજલિ : મેટ્રોથી એરપોર્ટ સુધીના કરોડોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ : ભારતની દીકરીઓનું સશક્તિકરણ એ જ મંત્ર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ભોપાલથી સમગ્ર દેશને બે કડક અને સ્પષ્ટ સંદેશા આપ્યા. એક તરફ, પાકિસ્તાનને સીધી ચેતવણી આપી કે “આતંકવાદને હવે કોઈ ભોગે સાંખી નહીં લેવાય, દરેક ગોળીનો જવાબ ગોળીથી અપાશે!” તો બીજી તરફ, ‘ઓપરેશન સિંદૂર’માં ભારતીય નારી શક્તિના અદમ્ય પરાક્રમ ને બિરદાવી, દેશના વિકાસની નવી ગાથા લખી.
‘ઓપરેશન સિંદૂર’: જ્યારે નારી શક્તિ બની ‘કાળ’
પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભાવુક અપીલ કરી. તેમણે કહ્યું કે, “આતંકવાદીઓએ ફક્ત ભારતીયોનું લોહી જ નથી વહાવ્યું, તેમણે આપણી સંસ્કૃતિ પર પ્રહાર કર્યો છે, સમાજને વહેંચવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ, આ પડકાર આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે કાળ બની ગયો છે!” તેમણે ‘ઓપરેશન સિંદૂર’ને ભારતના ઇતિહાસનું સૌથી મોટું અને સફળ ઓપરેશન ગણાવતા કહ્યું કે, “જ્યાં પાકિસ્તાનની સેનાએ ક્યારેય વિચાર્યું પણ નહોતું, ત્યાં આપણી વીર સેનાએ આતંકી ઠેકાણાઓને ધૂળ ચાટતા કરી દીધા!”
વડાપ્રધાને ખાસ કરીને BSF ની દીકરીઓના અસાધારણ શૌર્યને યાદ કર્યું. તેમણે ગર્વભેર કહ્યું કે, “જમ્મુથી લઈને પંજાબ, ગુજરાત અને રાજસ્થાનની સરહદો પર, આપણી BSF ની દીકરીઓ મોરચા પર અડીખમ ઊભી હતી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી લઈને દુશ્મનની ચોકીઓને નષ્ટ કરવા સુધી, તેમણે અદભુત પરાક્રમ દર્શાવ્યું અને સરહદ પારથી થતા ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો!”
વડાપ્રધાને મહિલા સશક્તિકરણની વાત કરતા ઉમેર્યું કે, છેલ્લા એક દાયકામાં સરકારે આ દિશામાં ક્રાંતિકારી પગલાં લીધા છે. સૈનિક સ્કૂલોના દરવાજા છોકરીઓ માટે ખોલવાથી માંડીને NCC માં મહિલા કેડેટ્સની સંખ્યામાં થયેલો ધરખમ વધારો (2014 પહેલા 25% થી હવે 50% નજીક), અને ચંદ્રયાન-3 મિશનમાં 100 થી વધુ મહિલા વૈજ્ઞાનિકોનું યોગદાન – આ બધું દર્શાવે છે કે ‘નારી શક્તિ’ હવે માત્ર સ્લોગન નથી, પરંતુ એક વાસ્તવિકતા છે.
અહિલ્યાબાઈ હોળકર: સેવાથી શાસન સુધી, વિકાસનો નવો મંત્ર :
ભોપાલના જંબુરી મેદાન ખાતે, 2 લાખથી વધુ મહિલાઓના વિશાળ જનસમુદાય વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોળકરની 300મી જન્મજયંતિની ભાવભીની ઉજવણી કરી. અહિલ્યાબાઈને ‘ભક્તિ, સેવા અને દ્રઢ નિશ્ચય’ ના શાશ્વત પ્રતીક ગણાવતા, વડાપ્રધાને તેમના દૂરંદેશી વિચારોને વર્તમાન સરકારના ‘જન સેવા’ ના મિશન સાથે જોડ્યા. તેમણે કહ્યું કે, “અહિલ્યાબાઈ કહેતા હતા કે, સાચા શાસનનો અર્થ લોકોની સેવા કરવી અને તેમનું જીવન સુધારવું છે. આજનો કાર્યક્રમ તેમના એ જ વિચારોને આગળ ધપાવે છે.” વડાપ્રધાને અહિલ્યાબાઈના પ્રગતિશીલ સામાજિક સુધારાઓ, ખાસ કરીને મહિલા કલ્યાણ અને કૃષિમાં પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવાના તેમના વિઝનને બિરદાવ્યું.
ભોપાલથી વિકાસની નવી ઉડાન: મેટ્રો, એરપોર્ટ અને ગ્રામીણ સુવિધાઓ:આ પ્રસંગે, વડાપ્રધાને મધ્યપ્રદેશ માટે અનેક મોટા વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું, જે રાજ્યના ભવિષ્યનો નકશો બદલી નાખશે:
– ઇન્દોર મેટ્રોનો પ્રારંભ: 7,500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ હેઠળ 31.3 કિલોમીટર લાંબી મેટ્રોનો 6 કિલોમીટરનો પ્રથમ તબક્કો વર્ચ્યુઅલ રીતે ખુલ્લો મુકાયો, જે ઇન્દોરના શહેરી પરિવહનમાં ક્રાંતિ લાવશે.
– નવા એરપોર્ટનું ઉદ્ઘાટન: સતના અને દતિયામાં નવનિર્મિત એરપોર્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે પ્રાદેશિક કનેક્ટિવિટીને વેગ આપશે.
– ક્ષિપ્રા નદી પર ઘાટ નિર્માણ: ઉજ્જૈનમાં 778.91 કરોડ રૂપિયાના ખર્ચે ક્ષિપ્રા નદીના બંને કિનારે 30 કિલોમીટરના ઘાટના નિર્માણનો શિલાન્યાસ કરાયો, જે સિંહસ્થ 2028 માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
– જળ સંસાધન વિકાસ: 863.69 કરોડ રૂપિયાના જળ સંસાધન વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત, જેમાં ક્ષિપ્રા અને કાન નદી પર બેરેજનું નિર્માણ સામેલ છે.
– ગ્રામીણ સશક્તિકરણ: 483 કરોડ રૂપિયાના ખર્ચે 1,271 નવા અટલ ગ્રામ સેવા સદન (પંચાયત ભવનો) ના નિર્માણ માટે પ્રથમ હપ્તાનું હસ્તાંતરણ થયું, જે ગ્રામીણ વહીવટી માળખાને મજબૂત બનાવશે.
ઐતિહાસિક સિક્કો અને સન્માન:
વડાપ્રધાન નરેન્દ્રભાઈએ લોકમાતા દેવી અહિલ્યાબાઈને સમર્પિત એક સ્મારક ટપાલ ટિકિટ અને વિશ્વમાં પ્રથમવાર 300 રૂપિયાનો વિશેષ સિક્કો પણ બહાર પાડ્યો. આદિવાસી અને લોક કલાક્ષેત્રની એક મહિલા કલાકારને ‘રાષ્ટ્રીય દેવી અહિલ્યાબાઈ પુરસ્કાર’ પ્રદાન કરી, વડાપ્રધાને મહિલાઓના યોગદાનને બિરદાવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી મોહનભાઈ યાદવ અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રભાઈ શેખાવત પણ ઉપસ્થિત રહ્યા હતા.ભોપાલથી અપાયેલા આ મજબૂત સંદેશા અને કરોડોના વિકાસ કાર્યોના પ્રારંભે, ભારતે આતંકવાદ સામેની અડગ લડાઈ અને વિકાસના પંથે આગળ વધવાની તેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી.