3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને એક નગરપાલિકાની બે બેઠકો તેમજ 3 તાલુકા પંચાયતની 3 બેઠકોની પેટા ચૂંટણીઓનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લામાં આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની મહત્વપૂર્ણ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જેમાં ત્રણ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને એક નગરપાલિકાની બે બેઠકો તેમજ ત્રણ તાલુકા પંચાયતની ત્રણ બેઠકોની પેટા ચૂંટણીઓનો સમાવેશ થાય છે.
હારીજ નગરપાલિકાની 24 બેઠકો માટે 19 મતદાન મથકો પર 17,103 મતદારો, ચાણસ્મા નગરપાલિકાની 24 બેઠકો માટે 18 મતદાન મથકો પર 12,656 મતદારો અને રાધનપુર નગરપાલિકાની 28 બેઠકો માટે 41 મતદાન મથકો પર 37,111 મતદારો મતદાન કરશે. જયારે સિદ્ધપુર નગર પાલિકામાં વૉર્ડ નંબર 1 અને 7ની બે બેઠકોની પેટાચૂંટણી 10 મતદાન મથકો પર યોજાશે, જેમાં 11,540 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
તાલુકા પંચાયતોની પેટાચૂંટણીમાં હારીજની સાંકરા બેઠક માટે 4 મતદાન મથકો પર 4,097 મતદારો, સમીની કનીજ બેઠક માટે 5 મતદાન મથકો પર 4,664 મતદારો અને સિદ્ધપુરની સમોડા બેઠક માટે 6 મતદાન મથકો પર 663 મતદારો નોંધાયેલા છે. ચૂંટણી કાર્યક્રમ અનુસાર, 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 1લી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી નોંધણીની પ્રક્રિયા ચાલશે. રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જ્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ આયોજન અને વ્યવસ્થાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.