90ના દાયકાની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ઘણા સમયથી ફિલ્મી પડદાથી દૂર રહી છે. પ્રીતિ ઝિન્ટા લગ્ન બાદથી લોસ એન્જલસમાં રહે છે. જો કે તે અવારનવાર ભારતની મુલાકાત લે છે, પરંતુ 2016માં તેના લગ્ન પછી તે સંપૂર્ણપણે ત્યાં શિફ્ટ થઈ ગઈ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. આ દરમિયાન પ્રીતિ ઝિંટાએ પોતાનો ડર તેના ચાહકો સાથે શેર કર્યો છે. લોસ એન્જલસમાં લાગેલી ભીષણ આગથી દરેકના દિલમાં ભય ફેલાયો છે.
અમેરિકાના એલએમાં લાગેલી આગ અટકી રહી નથી. આ ભીષણ આગને કારણે અનેક લોકો બેઘર બન્યા છે. લોકોના ઘર બળીને રાખ થઈ ગયા છે. ઘણા મોટા સ્ટાર્સના ઘર પણ આ આગનો શિકાર બન્યા છે. આ સમયે લોસ એન્જલસમાં સર્વત્ર વિનાશ છે. હાલ ઘણા લોકો આ આગ બુઝાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ પણ લોસ એન્જલસમાં રહે છે, જે આ ભડકતી આગ જોઈને ડરી ગયા છે. પ્રીતિ ઝિંટાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે ત્યાંના દ્રશ્યનું વર્ણન કર્યું છે.