મહેસાણા એ-ડિવિઝન પોલીસે શક્તિનગર સોસાયટીમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે લિસ્ટેડ બુટલેગર ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે 1.79 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન બે કારમાં દારૂનું કટિંગ કરતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે બુટલેગરના બે મકાન અને બે ગાડીઓની તપાસ કરી હતી. તપાસમાં 324 બોટલ વિદેશી દારૂ અને 146 બિયર ટીન મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીઓએ મોપેડ પર દારૂની હોમ ડિલિવરી કરતા હોવાની કબૂલાત કરી છે.
પોલીસે બે કાર, બે મોપેડ, ચાર મોબાઈલ અને દારૂ સહિત કુલ 9.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં અબ્દુલ સિલાવરખાન પઠાણ (40), ઇમરાન સિલાવરખાન પઠાણ (35), લિકાયત યુસુફખાન પઠાણ (27), આસિફ સિકંદર નાયક (42) અને સોયબ અતાઉલ્લાખાન પઠાણ (21)નો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી મુર્તાજા ઉર્ફે ફિરોજખાન સિલાવરખાન પઠાણ હજુ ફરાર છે. મહેસાણા એ-ડિવિઝન પોલીસે કુલ છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગૃહ વિભાગે પ્રોહિબિશનના કેસોમાં ક્વોલિટી કેસો માટે મોટી રકમના મુદ્દામાલની જોગવાઈ કર્યા બાદ મહેસાણા જિલ્લામાં વિદેશી દારૂના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.