“તેરા તુજકો અર્પણ” સૂત્ર સાર્થક થતા અરજદારોમાં ખુશાલી
ડીસા શહેર ઉત્તર પોલીસે ગુમ થયેલા ત્રણ રાંધણ ગેસ સિલિન્ડર (કિંમત રૂ. 9,000/-) શોધી કાઢી તેના માલિકોને પરત કરીને “તેરા તુજકો અર્પણ” સૂત્રને સાર્થક કર્યું છે. બનાસકાંઠા પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી અરજદારોમાં ખુશી જોવા મળી રહી છે.પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ કચ્છ-ભુજ) અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકીના માર્ગદર્શન હેઠળ, ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એચ. જારીયાએ વિવિધ અરજદારોના ગુમ થયેલા રાંધણ ગેસ સિલિન્ડરની તપાસ કરી તેમને પરત કરવા માટે સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, વ્હીકલ સ્કોડના કર્મચારીઓએ તાત્કાલિક હ્યુમન સોર્સિંગની મદદથી 3 રાંધણ ગેસ સિલિન્ડર (કિંમત રૂ. 9,000/) શોધી કાઢ્યા અને અરજદારોને પરત કર્યા. પોલીસે “તેરા તુજકો અર્પણ” ના સૂત્રને સાર્થક કરીને પ્રશંસનીય કામગીરી કરી છે.