પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બે નવી ટ્રેનોને લીલી ઝંડી આપશે. આમાં એક ટ્રેન વંદે ભારત પણ સામેલ છે. ગુજરાત મુલાકાત દરમિયાન, પીએમ મોદી સોમવારે દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બે ટ્રેનોનું લોકાર્પણ કરશે. આ બાબતે વધુ માહિતી આપતાં, રેલવે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માહિતી અને પ્રચાર) દિલીપ કુમારે જણાવ્યું હતું કે, ‘પીએમ મોદી દ્વારા બે નવી ટ્રેનોનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
રેલવે અધિકારી દિલીપ કુમારે જણાવ્યું હતું કે, ‘પહેલી સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ છે, જે સોમનાથ મંદિર પાસે સાબરમતી સ્ટેશનને વેરાવળ સાથે જોડશે.’ આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ (ગુરુવાર સિવાય) દોડશે. આ ટ્રેનમાં 8 કોચ હશે અને તેનાથી સોમનાથ જતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ફાયદો થવાની અપેક્ષા છે.
બીજી ટ્રેન વલસાડ-દાહોદ એક્સપ્રેસ છે, જે વલસાડ અને દાહોદ વચ્ચે દરરોજ દોડશે. તેમાં 17 કોચ હશે. આ ટ્રેન વલસાડથી દાહોદ એક્સપ્રેસ ટ્રેન નંબર ૧૯૦૧૧ તરીકે દોડશે, જ્યારે દાહોદથી વલસાડ એક્સપ્રેસ ટ્રેન નંબર ૧૯૦૧૨ તરીકે દોડશે. વલસાડ-દાહોદ-વલસાડ એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયાના બધા દિવસો ચાલશે.