પીએમ મોદીએ દેશનોકમાં પ્રખ્યાત કરણી માતા મંદિરમાં દર્શન કરીને અને પ્રાર્થના કરીને પોતાના પ્રવાસની શરૂઆત કરી. આ મંદિરને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ મુલાકાત માત્ર વ્યૂહાત્મક રીતે જ નહીં પરંતુ પ્રતીકાત્મક રીતે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે ભારતની શક્તિ અને સાંસ્કૃતિક ગૌરવને પ્રતિબિંબિત કરે છે. બપોરે ૧૨ વાગ્યે, પીએમ મોદીએ પલાણા ગામમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી, જ્યાં તેમણે ‘ઓપરેશન સિંદૂર’ પછી પહેલી વાર જનતા સાથે વાતચીત કરી હતી.
પીએમ મોદીએ આજે બિકાનેરમાં 26 હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. તેઓ દેશનોક રેલ્વે સ્ટેશન પહોંચ્યા અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું અને બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી. આ ટ્રેન અઠવાડિયામાં એકવાર દોડશે, જે બિકાનેરથી મુંબઈ સુધીનું ૧,૨૧૩ કિમીનું અંતર ૨૨ કલાકમાં કાપશે. આ ઉપરાંત, તેમણે ૧૮ રાજ્યોના ૮૬ જિલ્લાઓમાં ૧,૧૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ૧૦૩ અમૃત ભારત સ્ટેશનોનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. આમાં રાજસ્થાનના 8 સ્ટેશનોનો સમાવેશ થાય છે.