પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના પૂર્ણિયામાં લગભગ 40,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ સોમવારે બિહારમાં પૂર્ણિયા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમણે બિહારને 4 નવી ટ્રેનો પણ ભેટમાં આપી. પ્રધાનમંત્રી મોદીએ પૂર્ણિયામાં આયોજિત જાહેર સભામાંથી 1 વંદે ભારત, 2 અમૃત ભારત અને 1 પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ ઉપરાંત, પીએમ મોદીએ 26.33 કિલોમીટર લાંબી વિક્રમશિલા-કટેરિયા વચ્ચે નવી રેલ્વે લાઇનનો શિલાન્યાસ કર્યો અને 111 કિલોમીટર લાંબી અરરિયા-ગલગલિયા વચ્ચે નવી રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું.
PM નરેન્દ્ર મોદીએ કટિહાર અને સિલીગુડી વાયા અરરિયા-ગલગલિયા (ઠાકુરગંજ) સેક્શન માટે નવી એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું. આ ટ્રેન અરરિયા અને કિશનગંજ જિલ્લાઓ વચ્ચે સીધો રેલ જોડાણ સ્થાપિત કરશે અને ઉત્તરપૂર્વ બિહાર સુધી પહોંચવાનું વધુ સરળ બનાવશે. કટિહાર-સિલીગુડી એક્સપ્રેસ ટ્રેનોથી બિહાર તેમજ પશ્ચિમ બંગાળના લોકોને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત જોગબાની અને દાનાપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બિહારના અરરિયા, પૂર્ણિયા, મધેપુરા, સહરસા, ખગરિયા, બેગુસરાય, સમસ્તીપુર, મુઝફ્ફરપુર, વૈશાલી અને પટના જેવા જિલ્લાઓને સીધી રીતે જોડશે.
સહરસા અને છેહરતા (અમૃતસર) વચ્ચે શરૂ કરાયેલી નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન બિહાર અને પંજાબ ઉપરાંત ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડના મુખ્ય રેલ્વે સ્ટેશનોમાંથી પસાર થશે. જોગબની અને ઇરોડ વચ્ચે શરૂ કરાયેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન બિહાર તેમજ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ સહિત કુલ 7 રાજ્યોના લોકોને લાભ આપશે.
આ બધાની સાથે, પીએમ મોદીએ બિહારના ભાગલપુરના પીરપૈંટીમાં 25,000 કરોડ રૂપિયાના ખર્ચે 800 મેગાવોટના 3 થર્મલ પાવર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. આ રાજ્યમાં ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવેલું સૌથી મોટું રોકાણ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “તે ‘અલ્ટ્રા-સુપર ક્રિટિકલ’, ઓછી ઉત્સર્જન તકનીકના આધારે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ વીજળી પૂરી પાડશે અને બિહારની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવશે.”

