“પ્લાસ્ટિક મુક્ત પાલનપુર” અભિયાન કાગળ પર..!

“પ્લાસ્ટિક મુક્ત પાલનપુર” અભિયાન કાગળ પર..!

શહેરમાં ઠેરઠેર પ્લાસ્ટિકના ઢગલા વચ્ચે ‘પ્લાસ્ટિક મુક્ત પાલનપુર’ના બણગાં ફૂંકતા પાલિકાના શાસકો

પ્લાસ્ટિક ખાતી ગૌમાતાઓને જોઈને શાસકો સામે આક્રોશ ઠાલવતા નગરજનો; ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન છેડવામાં આવ્યું છે. ત્યારે પાલનપુરના રાજમાર્ગો પર પ્લાસ્ટિક સહિતના કચરાના ઢગલા ખડકાયા છે. જોકે, જાહેર માર્ગો પરના પ્લાસ્ટિકના ઢગલા ઉપાડવાની ત્રેવડ ન હોવા છતાં “પ્લાસ્ટિક મુક્ત પાલનપુર”નું અભિયાન છેડનારા શાસકો સામે નગરજનો એ ભારે આક્રોશ ઠાલવતા લાખો રૂપિયાનો આંધણ કરતું “પ્લાસ્ટિક મુક્ત પાલનપુર” અભિયાન માત્ર કાગળ પર ચાલતું  હોવાના આક્ષેપો કર્યા હતા.

ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપ નગરજનોને લાઈટ, પાણી અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ ઉણી ઉતરી રહી છે. ત્યારે નગરપાલિકાના શાસકો એ લોકોના પ્રશ્નો ઉકેલવાને બદલે તાનમાં આવી જઈ પાલિકાની તિજોરી ખુલ્લી મૂકી “પ્લાસ્ટિક મુક્ત પાલનપુર” અભિયાન શરૂ કર્યું છે. જેમાં રિયલમાં કામ કરવાની બદલે “રીલ” બનાવી જાતે જ વાહવાહી લૂંટી પીઠ થપથપાવનારા પાલિકાના શાસકો લાખો રૂપિયાની ગ્રાન્ટ વેડફી રહ્યા હોવાની રાવ ઉઠી છે. સ્વચ્છતાના નામે મહિને દહાડે કરોડો રૂપિયાનું આંધણ કરી હવે પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં લાખો રૂપિયા નો ખર્ચ કરનારી પાલિકા પાસે રોડ પરના પ્લાસ્ટિકના ઢગલા ઉપાડવા ની પણ ત્રેવડ કે સમય નથી. જેથી પ્લાસ્ટિકના ઉકરડા પર ગૌ માતા ઓ પ્લાસ્ટિક આરોગતી જોવા મળી રહી છે. ત્યારે પ્લાસ્ટિક મુક્ત અભિયાન માત્ર વાતોના વડા પુરવાર થયું હોવાનું સ્થાનિક રહીશ અશોક ગુપ્તાએ જણાવ્યું હતું.

પ્લાસ્ટિક મુક્ત પાલનપુરમાં રોડ પર ઠેરઠેર પ્લાસ્ટિક જોવા મળી રહ્યું છે. રેકડી અને દુકાનોવાળા પાસેથી પ્લાસ્ટિક જપ્ત કરવાને બદલે પ્લાસ્ટિકના ઉત્પાદન પર જ પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી હોવાનું સામાજિક કાર્યકર ઉમેશભાઈએ જણાવ્યું હતું. આમ, ખુદ પાલનપુર પાલિકાના શાસક પક્ષના સભ્યોની નારાજગી વચ્ચે “વન મેન શો” સમું “પ્લાસ્ટિક મુક્ત પાલનપુર” અભિયાન “જંગલ મેં નાચા મોર- પર કિસને દેખા” જેવું પુરવાર થઇ રહ્યું છે.

ડબલ ટેક્ષ છતાં ગંદકીનું ધામ બન્યું જી.આઈ.ડી.સી; પાલનપુરના જામપુરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં તો પ્લાસ્ટિક મુક્ત અભિયાનના ધજીયા ઉડતા જોવા મળ્યા હતા. જી.આઈ.ડી.સી.ના સુપરવાઈઝર વિશ્વજીત જોશીએ જણાવ્યું હતું કે, જી.આઈ.ડી.સી.પ્રમુખ ગિરીશ ભાઈ જગાણિયાએ અમારી રૂબરૂ માં વારંવાર પાલિકા પ્રમુખને જાણ કરવા છતાં પાલિકાના શાસકો આંખ આડા કાન કરી રહ્યા છે. પાલિકા અને જી.આઈ. ડી.સી.નો ડબલ ટેક્ષ ભરવા છતાં સફાઈના નામે મીંડું હોઈ “પ્લાસ્ટિક મુક્ત પાલનપુર” કરવા નીકળેલા શાસકો સામે જી.આઈ.ડી.સી.ના વેપારીઓએ પણ ભારે આક્રોશ ઠાલવ્યો હતો.

પ્લાસ્ટિક મુક્ત મિટિંગનો ફિયાસ્કો..! “પ્લાસ્ટિક મુક્ત પાલનપુર” ના નામે નગરપાલિકાના ટાઉનહોલ માં શનિવારે મિટિંગ બોલાવવામાં આવી હતી. જોકે, વિવિધ સ્વૈછીક સંસ્થાઓ, વેપારી એસોસીએશનો સહિત નગરજનો નો મોળો પ્રતિસાદ સાંપડતા આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ લોકો ઉપસ્થિત રહેતા મિટિંગનો ફિયાસ્કો થયો હતો. જોકે, લોકો તો ના આવ્યા પણ શાસક પક્ષ ભાજપના જ પૂરાં બત્રીસ સભ્યો ય ના આવ્યા..! જમણવારમાં શીરો પણ વધ્યો, છતાંય પ્લાસ્ટિક મુકિતની વાતો પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા પીતા કરતા ખાલીખમ ટાઉન હોલ જોતા સમગ્ર કાર્યક્રમ ફારસ રૂપ બન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *