તૃણમૂલ કોંગ્રેસ ના સાંસદ મહુઆ મોઇત્રાએ એક ખાનગી સમારંભમાં પૂર્વ બીજુ જનતા દળના સાંસદ પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા. મહુઆ મોઇત્રાના લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં મહુઆ મોઇત્રાએ સોનેરી અને આછા ગુલાબી રંગની સાડી પહેરી છે. જોકે, આ લગ્ન અંગે મહુઆ મોઇત્રા કે પિનાકી મિશ્રા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
બે વખત સાંસદ રહેલા મહુઆ મોઇત્રા; ૫૦ વર્ષીય સાંસદ મહુઆ મોઇત્રા કૃષ્ણનગરથી સાંસદ છે. તેમણે ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ ૨૦૧૦માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા અને ૨૦૧૯માં પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ ૨૦૨૪માં પણ જીત્યા હતા. પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરથી બે વખત સાંસદ છે અને તેમના જોરદાર ભાષણો માટે જાણીતા છે.
પિનાકી મિશ્રા કોણ છે; ૬૫ વર્ષીય પિનાકી મિશ્રા બીજેડીનાં વરિષ્ઠ નેતા છે. તેઓ પહેલી વાર ૧૯૯૬માં અને પછી ૨૦૦૯ થી ૨૦૨૪ સુધી સાંસદ તરીકે ચૂંટાયા હતા. પિનાકી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ છે અને તેમની રાજકીય અને કાનૂની કારકિર્દી લગભગ ત્રણ દાયકા સુધી ચાલેલી છે. તેઓ ઘણી મહત્વપૂર્ણ સમિતિઓના સભ્ય પણ રહી ચૂક્યા છે.