માંગણી નહી સંતોષાય તો આંદોલન કરવાની ચિમકી;ડીંડરોલ -મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરવાની માંગ
વડગામ તાલુકાના ડીંડરોલ મુક્તેશ્વર યોજના અંતર્ગત નર્મદાની કેનાલોનું કામ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટની જોગવાઈ મુજબ તેમજ સિંચાઈ વિભાગની ગાઈડલાઈન મુજબ જે તે ગામોમાંથી આ નર્મદાની કેનાલ નીકળી રહી છે. એ ગામોને 3 કિલોમીટર ની ત્રિજ્યામાં આવતા તમામ તળાવ ભરવાના થાય છે. પરંતુ તંત્રની બેદરકારીને કારણે ડી.આઇ.એલ.આર.વિભાગ દ્વારા અગાઉના વર્ષોમાં કરવામાં આવેલ ખોટી માપણીને કારણે કેટલાક તળાવ નીમ થયેલા નથી. કેટલાક તળાવો નીમ કરવાની માંગ કરતી ગ્રામજનો અને પંચાયતની અરજીઓ પડતર છે. અને કેટલાક તળાવ અગાઉના વર્ષોમાં તળાવ તરીકે રેકર્ડ ઉપર હતા. તે હવે રીસર્વેની ભૂલોના કારણે તળાવ તરીકે દર્શાવેલા નથી.
આ ઉપરાંત કેટલાક તળાવ ગૌચર હેડ દર્શાવેલ છે.આ પરિસ્થિતિને કારણે 17 જેટલા તળાવોનો આ પ્રોજેક્ટમાં સમાવેશ પામેલ નથી. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આ તમામ ગામોમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા રૂબરૂ મુલાકાત કરી ગ્રામજનો અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. પંચાયતના રેકર્ડ જોઈ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને વડગામ વિસ્તારના લોકોની માંગણી છે કે 17 તળાવોનો પણ ડીંડરોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરી ભરવામાં આવે જેથી આ ગામના ભૂગર્ભ જળ ઊંચા આવે અત્યારે વડગામ તાલુકાના ગામોના પાણીના તળ 1400 ફૂટ સુધી ઊંડા ગયા છે.
આ સંજોગોમાં ધાણધાર વિસ્તાર ફરી સમૃદ્ધ બને એ માટે પાણીના તળ ઊંચા આવે એ અત્યંત જરૂરી છે.અને એ માટે આ 17 તળાવ ભરવા માટે તળાવોને નીમ કરવા માટે ડી.આઇ.એલ.આર.દ્વારા માપણી નકશામાં થયેલ ભૂલો સુધારવા માટે વડગામ તાલુકાના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ ગ્રામજનો સાથે પાલનપુર કલેકટર કચેરી ખાતે આવી જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. અને જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ક્યા 17તળાવો ભરવાની માંગ છે?: વડગામ તાલુકાના માહી, રજોસણા, તેનીવાડા, છાપી, પસવાદળ, ફતેગઢ, એદરાણા,બાવલચુડી, વરસડા, વેસા,નાવિસણા,ગીડાસણ,રુપાલ, ઉમરેચા ચેકડેમ, મેમદપુર, મેપડા,પાંચડા