સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને પાટણના ધારાસભ્ય સહિત કોંગ્રેસ આગેવાનો આવેદનપત્રના કાર્યક્રમમાં જોડાયા
સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારમાં મતદારોના હકો પર તરાપ મારી લોકશાહીનું હનન કરવાના આશયથી કરવામાં આવેલા પદ્ધતિસરના પ્રયાસો સામે બુધવારે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલની આગેવાનીમાં સિદ્ધપુર પ્રાંત અધિકારીને એક લેખિત આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (SIR) ની પ્રક્રિયા દરમિયાન રાજકીય ઇશારે કેટલાક ઈસમો દ્વારા ખોટી રીતે અને અધૂરી માહિતી સાથે ૨૨,૦૦૦ જેટલી વાંધા અરજીઓ (ફોર્મ-૭) રજૂ કરવામાં આવી છે.
આ રજૂ કરવામાં આવેલી વાંધા અરજીઓમાં વાંધો ઉઠાવનારની પૂરી માહિતીનો અભાવ છે અને મતદારનું નામ કમી કરવા માટેનું કોઈ સચોટ કે તાર્કિક કારણ પણ જણાવવામાં આવ્યું નથી.આ ગંભીર બાબતને ધ્યાને લઈ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરઅને પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલની આગેવાનીમાં કોગ્રેસ ના આગેવાનો, કાર્યકરો સહિતના ઓએ મોટી સંખ્યામાં સિધ્ધપુર પ્રાંત કચેરી ખાતે એકઠા થઈ વહીવટી તંત્રને રજૂઆત કરી હતી કે, જે લોકોએ પાયાવિહોણી વિગતો સાથે વાંધા અરજીઓ આપી છે તેમની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આવેદનપત્રમાં સ્પષ્ટ માગ કરવામાં આવી હતી કે આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે અપારદર્શકતા ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે અને મતદારોના મતાધિકારનું રક્ષણ થાય તેવી ઉગ્ર માગ કરી આગેવાનોએ વહીવટી તંત્રને ચીમકી આપી હતી કે જો આ પ્રક્રિયામાં અન્યાય થશે તો આગામી સમયમાં ઉગ્ર લડત ચલાવવામાં આવશે.


