બપોર બાદ ટેકનિકલ ખામી દૂર થતાં છ કાઉન્ટર પર વેરા સ્વીકારવાની કામગીરી શરૂ કરાઈ; પાટણ નગરપાલિકા દ્વારા ગુરુવાર સાંજથી વષૅ 2025-26 ના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે શુક્રવારે બીજા દિવસે એડવાન્સ વેરા ભરપાઈ કરવા વહેલી સવારથી જ મિલકત ધારકો ની ભીડ પાલિકાના વેરા શાખા માં જોવા મળી હતી. નગરપાલિકા ખાતે સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા સુધી અને ગાંધી બાગના સેવિક સેન્ટર ખાતે સવારે 10:30 થી સાંજે 4 વાગ્યા સુધી વેરો સ્વીકારવામાં આવી રહ્યા છે. જોકે, સવારના સમયે સર્વરમાં એરરના કારણે એડવાન્સ વેરા સ્વીકાર વાની કામગીરી ઠપ્પ બનતા વેરો ભરપાઈ કરવા આવેલ અનેક લોકોને ધકકો ખાવા નો વારો આવ્યો હતો.
આ બાબતે વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે નાગરિકોની સુવિધા માટે 6 કાઉન્ટર પર વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે. QR કોડ દ્વારા પણ વેરાની ચુકવણી કરી શકાશે. વિશેષ રાહત તરીકે 30 જૂન સુધી પાણી અને ડ્રેનેજ વેરો કોઈપણ પ્રકારની નોટિસ વગર સ્વીકારવામાં આવશે. મિલકત ધારકોએ મિલકત,પાણી અને ડ્રેનેજ વેરા ભરવા માટે લાંબી કતારો લગાવી હતી. પરંતુ ટેકનિકલ ખામીના કારણે વેરો ભરી શક્યા ન હોય પરત ફરવુ પડ્યું હતું.જોકે બપોરે ૩ વાગ્યા પછી ટેકનિકલ ખામી દૂર થતાં વેરા શાખાના 6 કાઉન્ટર ઉપર વેરા સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું વેરા શાખાના અધિકારીએ જણાવ્યું હતું.