પાટણના સરહદી વિસ્તારમાં પાણી માટે રઝળપાટ કરતી મહિલાઓ ને જોતા હર ઘર નલ સે જલની યોજના કાગળ પર હોવાની અનુભૂતિ
પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થી જ પીવાના પાણીની પારાયણ ઉભી થવા પામી છે.
સાંતલપુર ના એવાલ, મઢુત્રા સહિતના ગામોમાં છેલ્લા એકાદ મહિનાથી પીવાના પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. ના છુટકે પીવાનું પાણી મેળવવા લોકોને મોંઘા દામ ચુકવી પીવાનું પાણી બહાર થી લાવવા મજબૂર બનવું પડી રહ્યું છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બોર્ડર વિસ્તારમાં આવતા અને છેવાડા ના ગામ એવાલ ના લોકો પીવાનું પાણી વેચાતું લઈ પીવા મજબૂર બન્યા છૅ ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની વ્યવસ્થા નહીં કરતા લોકો ની મુશ્કેલીઓ વધી છે.
પીવાના પાણી માટે પાટણના સરહદી ગામોની મહિલાઓ બે-બે કિલોમીટર રઝળપાટ કરી માંડ માંડ બે બેડા પાણી મેળવી રહી છે જેના કારણે પૂરતું પાણી મેળવવા લોકોને રૂ. 1200 થી 1500 રૂપિયા ખર્ચ કરીને ટેન્કર મંગાવવાની ફરજ પડી છે. પાણી પુરવઠા વિભાગ ઉનાળાની સીઝનમાં જ લોકોને પુરતું પાણી ન પહોંચાડી શકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારમાં પાણીના ટેન્કરની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા લોકોની માંગ પ્રબળ બની છે. પાટણ પંથકના સરહદી વિસ્તારમાં પાણી માટે રઝળપાટ કરી રહેલી મહીલાઓના દ્રશ્યો જોતા સરકારની હર ધર નલ સે જલ યોજના સરહદી વિસ્તારમાં ફકત કાગળો પર હોય તેવી પ્રતીતિ થવા પામી છે.