રાધનપુરના નાલંદા વિદ્યાલય ખાતે અંડર ચેસ સ્પર્ધા યોજાઈ
સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની અંડર -14 17 અને 19 ભાઈઓ-બહેનો માટેની ચેસ સ્પર્ધાનું આયોજન રાધનપુર નાલંદા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓ જેવાકે પાટણ, રાધનપુર, શંખેશ્વર વગેરેની વિદ્યાલયોમાંથી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ સમગ્ર ચેસ સ્પર્ધાને જીવંત કરી મૂકી હતી. આ સમગ્ર ચેસ સ્પર્ધાનું સફળ આયોજન અને સંચાલન નાલંદા વિદ્યાલયના આચાર્ય રમેશભાઈ ચૌધરીના માર્ગદર્શન નીચે શૈલેશભાઈ પંચાલ અને દલસંગભાઈ ચૌધરીએ કર્યું હતું.
પાટણ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી ઉપસ્થિત રહેલા છાત્રોએ ચેસમાં પોતાનું કૌવત અજમાવ્યું હતું. માનસિક એકાગ્રતા અને દાવપેચથી મહોરા અજમાવવાની આ સ્પર્ધામાં અંડર -14,17અને 19 વય જૂથ ધરાવતા ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. તમામ કેટેગરીમાં પ્રથમ વિજેતા આગામી સમયમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે તેવું શૈલેશભાઈ પંચાલ અને દલસંગભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. આ સાથે જ નાના ભૂલકાઓ જેમ કે દેવ પ્રજાપતિ, ત્રિશા શ્રીમાળી અને આર્યન ગાંધી જેઓએ પણ સુંદર પર્ફોર્મન્સ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા.