પાટણઃ આજે નવા ત્રણ કેસ આવ્યા, એકનું સારવાર દરમ્યાન મોત
પાટણમાં કોરોનાના કેસોની સંખ્યામાં દરરોજ વધારો થઇ રહ્યો છે. આજે પાટણ જીલ્લામાં કોરોનાના નવા ૩ કેસ આવતા કુલ પોઝિટીવનો આંકડો ૧૬૦ પહોંચ્યો છે. આ તરફ આજે સરસ્વતી તાલુકામાં કોરોના પોઝિટીવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયુ છે. આજે ચાણસ્મા, રણુંજ અને પાટણ શહેરમાં કોરોનાના કેસ નોંધાયા છે. જોકે તમામના રીપોર્ટ અમદાવાદ ખાતે પોઝિટીવ આવતાં તમામને અમદાવાદમાં જ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
પાટણ જીલ્લામાં આજે કોરોનાના નવા ૩ કેસ આવ્યા તો ૧ દર્દીનું મોત થયુ છે. આજે પાટણ શહેરના છીંડીયા દરવાજા પાસેની આસોપાલવ સોસાયટીમાં રહેતા ૫૯ વર્ષિય પુરૂષ(ખાનગી લેબ,અમદાવાદ), રણુંજના રાજાણીવાસની બજારમાં ૬૭ વર્ષિય પુરૂષ(સોલા સિવીલ,અમદાવાદ) અને ચાણસ્મા કે.બી.ટ્રસ્ટ હોસ્પિટલની પાસે આવેલી ખોડીયાર સોસાયટીમાં ૪૭ વર્ષિય પુરૂષ(ખાનગી લેબ,અમદાવાદ)નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
આજે પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામના કોરોનાગ્રસ્ત ૫૮ વર્ષીય મહિલાનું ધારપુરમાં સારવાર દરમ્યાન મોત થયુ છે પાટણ જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના ૧૬૦ કેસ નોંધાયા છે. આ તરફ જીલ્લામાં અત્યાર સુધી ૨૧ લોકો કોરોના સામે જંગ હારતા તેમનું મોત થયુ છે. પાટણ શહેરમાં કોરોના સંક્રમણ કુદકેને ભૂસકે વધતુ હોય આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.