વિદ્યાર્થિનીની જાતિય સતામણી કરનાર આરોપી ને ત્રણ વર્ષની સખ્ત કેદ અને રૂા.1 લાખનો દંડ ફટકાર્યો

પાટણ
પાટણ

સરસ્વતિ તાલુકાના એક ગામનાં બસ સ્ટેન્ડ નજીક પુલ પાસે તા. 22-7-2022નાં રોજ સ્કૂલે જતી અને લેશન કરતી કિશોરીઓ પૈકી એક કિશોરીની છેડતી કરી તેની ઉપર પડીને તેને છરીનાં બે ઘા મારનારા આરોપી જીવણજી ઉર્ફે જેટિયો લાડજીજી ઠાકોરને પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટનાં જજ જી.જે, શાહે અલગ અલગ પાંચ કલમો અંતર્ગત ત્રણ-ત્રણ વર્ષની સખ્ત કેદ અને દરેક કલમ અંતર્ગત રૂા.20-20 હજારનો દંડ મળી કુલ રૂા.1 લાખનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ-ત્રણ માસની સખત કેદની સજા ફટકારી હતી.

આ દંડની રકમ છેડતી અને સતામણિનો ભોગ બનેલી કિશોરીને વળતર સ્વરૂપે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આરોપી બનાવ બન્યા બાદ અંડર ટ્રાયલ પ્રિઝનર (કાચા કામના કેદી તરીકે) જેલમાં જ હોવાથી તેણે ભોગવેલી સજા મજરે આપવા તથા તમામ પાંચેય સજાઓ એક સાથે ભોગવવાનો આદેશ આપ્યો હતો.

આ કેસની વિગતો એવી છે કે, સરસ્વતિનાં એક ગામે રહેતી 14 વર્ષીય કિશોરી તા. 22-07-2022નાં રોજ બહેનપણીઓ સાથે સ્કૂલે જવા નિકળી હતી અને બસ સ્ટેન્ડ નજીક પુલ પાસે આવી લેશન કરતી હતી ત્યારે આરોપી જીવણજી ઉર્ફે જેટિયો ઠાકોર છરી લઈને નિકળતાં આ કિશોરી અને તેની બહેનપણીઓ તેને જોઈ જતાં આ કિશોરી અને તેની બહેનપણીઓ ભાગી હતી. તે વખતે કે આ કિશોરી ભાગવામાં પાછળ રહી જતાં આરોપીએ તેને ઘક્કો મારીને નીચે પાડી તેની પર ચઢી બેસીને તેને જાતીય ઈરાદાથી સ્પર્શ કરી છેડતી કરી હતી. જેથી કિશોરીએ બુમો પાડતા તેની ફોઈ દોડતી આવતા તેને જોઈને આરોપીએ પોતાની પાસેની છરીથી કિશોરીને બરડામાં બે ઘા માર્યા હતા. તથા કિશોરીને જાતિવિષયક અપશબ્દો બોલી ધમકી આપી હતી.

આ બનાવ અંગે કિશોરીનાં પરિવારના એક સભ્યએ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે આરોપી સામે આઈપીસી 354(એ)/324/506(2) પોક્સો એક્ટની કલમ 8 તથા એટ્રોસીટી એકટની કલમ-3(1)(આર)/3(1)(ડબલ્યુ)(આઇ), 3(2)(5- એ) અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધીને આરોપીની તા.24- 7-22 નાં રોજ ધરપકડ કરી હતી. ત્યારથી તે સમગ્ર ટ્રાયલ દરમ્યાન 1 વર્ષ, 8 માસ અને 7 દિવસથી તે જેલમાં જ હતો.

આ કેસ પાટણની સ્પેશ્યલ પોક્સો અને ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ જી.જે. શાહની કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળી આરોપી જીવણજી ઉર્ફે જેટીયો ઠાકોરને તેની સામેનાં ઉપરોક્ત તમામ ગુનાઓની કલમમાં ત્રણ-ત્રણ વર્ષની સખ્ત કેદ અને દરેકમાં રૂા.20,000 – રૂા.20,000 મળી કુલે 1 લાખ નો દંડ ફટકાર્યો હતો અને દંડ ન ભરે તો તેને વધુ ત્રણ ત્રણ માસની સખ્ત કેદની સજા ફટકારી હતી.

આ કેસમાં દંડની રૂા. 1 લાખની રકમ ભોગ બનેલી કિશોરીને વળતરરૂપે ચૂકવવા અને આરોપી આ ચૂકાદા સામે અપીલમાં જાય ને તેનો નિકાલ ન આવે ત્યાં સુધી ભોગ બનનારને દંડની રકમ વળતર પેટે મેળવવામાં વિલંબ થઇ શકે તેમ હોવાથી પાટણ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને રૂા. 1 લાખ ભોગ બનનારને વળતર પેટે ચૂકવણી આપવાનો અને આ રકમ આરોપી પાસેથી મેળવવા જરૂરી કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં પાટણનાં મુખ્ય સરકારી વકીલ શૈલેષભાઇ એચ.ઠક્કરે રજૂઆતો કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.